Rajkot,તા.17
શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર આવેલ જય ભવાની ગોલાની દુકાનમાં ત્રણ દિવસ પૂર્વે ચોરી થયાંનો બનાવ સામે આવ્યો હતો. અજાણ્યા તસ્કરે દુકાનનું શટર ઉંચું કરી ડ્રોવરમાંથી રૂ. 50 હજારની રોકડ અને મોબાઈલની ચોરી કરી હતી. મામલામાં માલવિયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. ત્યારે આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે તસ્કર સગીરને ઝડપી લીધો છે. તસ્કર પાસેથી મોબાઈલ રીકવર કરી લેવામાં આવ્યો છે પણ રોકડ બહેનની પ્રસુતિ માટે આપી દીધાની સગીરે કબૂલાત આપી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત 13 જાન્યુઆરીના રોજ કાલાવડ રોડ પર આવેલ જય ભવાની ગોલાના માલિક રાજનભાઈ કિરીટભાઈ માનસેતા (ઉ.વ.૨૫ રહે. ‘રાજન’ મકાન, પ્રગતી સોસાયટી શેરી નં.-૩, રૈયા રોડ)એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કાલાવડ રોડ પર મહિલા કોલેજની સામે આવેલ શિવ આષિશ કોમ્લેક્ષમાં જયભવાની ડ્રાઇફુટ એન્ડ ડીસ ગોલા નામની દુકાન ધરાવી વેપાર કરું છું. મેનેજર રવિભાઇ ડોબરીયાએ અમારી દુકાન બંધ કરી જતા રહેલા અને મને રવિભાઈએ ફોનથી જણાવેલ હતુ કે, હું સવારે આશરે અગીયાર વાગ્યે મારી દુકાને ગયેલ અને જોયેલ તો દુકાનનું શટર થોડું ઉંચુ હતું. જેથી શટર ખોલી અંદર જોતા માલસામાન વેરવિખેર પડેલ હતો. જેથી ડ્રોવર ખોલીને જોતા તેમા રૂ. 50 હજાર મળી આવ્યા ન હતા. જેથી બંને મેનેજરને જાણ કરતા તેઓ દુકાને પહોંચ્યા હતા. જ્યાં રોકડ નાણાંની સાથોસાથ દુકાનનો ઓપો કંપનીનો મોબાઇલ પણ મળી આવ્યો ન હતો. જેથી દુકાનમાં ચોરી થયાનું જાણવા મળતા વેપારી યુવાને માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મામલામાં તસ્કરને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વી ડી ડોડીયાની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ સહિતના ટેક્નિકલ રિસોર્સના માધ્યમથી તપાસ કરી બાળ કિશોરની ઓળખ મેળવી સકંજામાં લેવામાં આવ્યો હતો. જે બાદ 15 વર્ષીય સગીર તસ્કરની પૂછપરછ કરતા તેણે ચોરીથી મેળવેલી રોકડ રકમ બહેનને પ્રસુતિ હોય અને આર્થિક પરિસ્થિતિ સારી નહિ હોવાથી તેને આપી દીધાની કબૂલાત આપી હતી જયારે સગીર પાસેથી મોબાઈલ રિકવર કરી લેવામાં આવ્યો હતો.