Rajkot, તા.20
લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવીન દીશા મળે તેવા ઉદ્દેશ સાથે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હિંદુ શાસ્ત્રોકત વિધિથી વૈદિક વિવાહ કરાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વૈદિક વિવાહમાં તા. ૧૭ મે ના રોજ યોજાયેલા લગ્નમાં અનોખો સંયોગ રચાયો હતો. દીકરાના નિધન બાદ પિતાએ પુત્રવધૂને અન્ય જગ્યાએ પરણાવીને કન્યાદાન કર્યું હતું અને સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો.
જામનગર જિલ્લાના અમરાપર ગામના નારણભાઈ ધાડિયાના પુત્ર અંકિત ધાડિયાનું તા. ૩૧ ડિસે.ના રોજ નાનીવયે આકસ્મિક અવસાન થયેલ. તેમના અવસાન બાદ તેમની પત્ની જાગૃતિબેનના અન્ય જગ્યાએ લગ્ન કરાવવાનું સ્વ. અંકિતના પિતા અને જાગૃતિબેનના સસરા નારણભાઈ ધાડિયાએ નક્કી કર્યું હતું.
આ લગ્ન તા. ૧૭મેના શનિવારના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત વૈદિક વિવાહ અંતર્ગત યોજાયા હતા. જેમાં જાગૃતિબેનને પિતા મેઘજીભાઈ સંઘાણી અને સસરા નારણભાઈ ધાડિયાએ કન્યાદાન કરીને કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના રમેશભાઈ ભીખાભાઈ વાડોદરિયાના પુત્ર જયદીપકુમાર વાડોદરિયા સાથે જાગૃતિબેનના લગ્ન કરાવ્યા હતા.
આમ પુત્રવધૂને દીકરી સમજીને કન્યાદાન કરી સસરાએ સમાજમાં એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.