Rajkot,તા.૨૧
રાજકોટના ઇમિટેશનના વેપારીને આઇપીઓમાં રોકાણ કરવાના નામે સારા વળતરની લાલચ આપી રૂ.52.50 લાખનું રોકાણ કરવાના બહાને લીધાં બાદ વેપારીના પરીવાર અને સબંધીઓ મળી કુલ અન્ય 13 લોકો પાસે કુલ રૂ.2,23,70000 નું રોકાણ કરવાના બહાને રૂપીયા પડાવી લેનાર આરોપી પ્રકાશ ચુડાસમાને એલસીબી ઝોન-2 ની ટીમે અમદાવાદથી દબોચી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો.
બનાવ અંગે રાજકોટમાં આત્મીય કોલેજ સામે રામપાર્કમાં જોગી આશિષ એપાર્ટમેન્ટમાં રહેતાં જીજ્ઞેશભાઈ રમેશભાઈ ભાસ (ઉ.વ.51) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પ્રકાશે તેમને જણાવેલ કે, તમે આઇ.પી.ઓ.માં રૂપીયા રોકાણ કરો તો તમને ઉંચુ વળતર મળશે તેમ કહીં રોકાણ કરવા માટે વિશ્વાસમાં લીધેલ હતાં અને ફરિયાદી અને તેના જૂનાગઢ, ગોંડલ રહેતાં તેમના સબંધીઓએ રૂ.2,23,70000 નું રોકાણ કર્યું હતું. જે બાદ કોઈ વળતર ન આપી છેતરપીંડી આચરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગેની તપાસ એલસીબી ઝોન-2 ને સોંપવામાં આવતાં પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કવર કર્યા હતાં. ત્યારે આરોપી અમદાવાદ હોવાની ચોક્કસ બાતમી મળતાં પ્રકાશ રતનસી ચુડાસમા (રહે. હાલ ગોતા અમદાવાદ, મૂળ આસોપાલવ સ્પ્રિંગ્સ કાસકોપર એપાર્ટમેન્ટની બાજુમાં કાલાવડ રોડ) ને અમદાવાદથી દબોચી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજુર થયાં હતાં.