ગઠિયો રૂ. 2500 ઓળવી જવામાં સફળ રહ્યો : સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી
Rajkot,તા.11
શહેરમાં અલગ અલગ બે પરિણીતાના ફેસબુક એકાઉન્ટ હેક કરી પૈસા પડાવવાની કોશિશ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક બનાવમાં ગઠીયો રૂ. 2500 પડાવવામાં સફળ રહ્યો હતો જયારે અન્ય બનાવ જાગૃતતાને લીધે અસફળ રહ્યો હતો. મામલામાં તપાસ કરતા ખેડાના સાયબર ગઠીયાની આ કરતૂત હોવાનું સામે આવ્યું હતું. હાલ બંને મામલામાં સાયબર ક્રાઇમ પોલીસે બે અલગ અલગ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પરના બાલમુકુંદ પ્લોટમાં રહેતા ક્રિમીબેન પંકજભાઇ વાગડિયા (ઉ.વ.31)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રિમીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.24 માર્ચના તેમના ફેસબુક એકાઉન્ટ પર તેમની સહેલી મિતલ પાટડિયાનો મેસેજ આવ્યો હતો અને તેણે નોટિફિકેશનમાં આવેલો કોડ માગ્યો હતો. ક્રિમીબેને તે કોડ આપતા જ તેમનું ફેસબુક એકાઉન્ટ થોડીવારમાં હેક થઇ ગયું હતું. ક્રિમીબેનના પતિ પંકજભાઇને મેહુલનગરમાં રહેતા તેમના સંબંધી પૂર્વેશભાઇ લલિતભાઇ શાહનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, ક્રિમી સોની નામના ફેસબુક આઇડીના કહેવાથી રૂ.2500 ટ્રાન્સફર કર્યા છે. જેથી પતિએ આ બાબતે પૂછતાં સાયબર ફ્રોડ થયાનું સ્પષ્ટ થતાં ક્રિમીબેને પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને ખેડાના નેનપુરની અજિત સોસાયટીમાં રહેતા પ્રિતેશ મહેશ પ્રજાપતિએ પ્રથમ મિતલ પાટડિયાનું એકાઉન્ટ હેક કરી તેના આધારે ક્રિમીબેનને જાળમાં ફસાવી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
બીજા બનાવમાં વિમા ચેકીંગ ઓફિસર તરીકે નોકરી કરતા અને જામનગર રોડ પર નાગેશ્વરમાં રહેતા અભયભાઈ કીરીટભાઈ શાહ (ઉવ-૪૦)એ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા-૨૭/૧૧/૨૦૨૩ ની રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મારા મામાજી સસરા નયનભાઈ ફોફરીયાએ ફોન કરી પૂછ્યું હતું કે, તમારી પત્ની ફેની શાહને પૈસાની શું જરૂર પડી ગઈ કે તેના ફેસબૂક આઇડીમાંથી મેસેજ કરી પૈસા માંગે છે. જેથી મેં મારી પત્નીને આ બાબતે વાત કરતા મને જાણવા મળેલ કે ફેનીએ કોઈ પણ પૈસા માંગવા ફેસબૂકમાં કોઈને મેસેજ કરેલ નથી. જે બાદ પત્ની ફેનીએ તુરંત ફેસબૂક લોગઈન કરતા હેક થયાની જાણ થયેલ હતી. જેથી સાયબર હેલ્પલાઇનમાં અરજી કરી હતી. બીજા દિવસે મારા મીત્ર બલદેવસિંહ જાડેજાએ મને જણાવેલ કે તમારી પત્નીના ફેસબૂક એકાઉન્ટમાંથી મને તાત્કાલિક રૂ. ૧૨૦૦૦ ટ્રાન્સફર કરવા માટે મેસેજ આવેલ છે જેથી મેં તેઓને પણ ફેસબૂક હેક થયા બાબતની વાત કરેલ હતી.