આતશબાજી બાદ પોલીસ મથકે જ માસુમ ભૂલકાઓને સ્વાદિષ્ટ ભોજન પીરસાયું
Rajkot,તા.30
દીપોત્સવનો પર્વ એટલે દિવાળી. દિવાળીએ ફક્ત આપણા જ નહિ પણ કોઈ દુખીયારાના જીવનમાં આપણે પ્રકાશ કેરો દિપક પ્રગટાવી શકીએ તો તે સાચી દિવાળી ગણાય. ત્યારે આવું જ એક પ્રશંસનીય પગલું માલવિયાનગર પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે.
ધનતેરસની રાત્રે સ્લમ વિસ્તારના બાળકોને અલગ અલગ પીસીઆર વાનમાં માલવિયાનગર પોલીસ મથક ખાતે લઇ આવવામાં આવ્યા હતા. જે બાદ આ બાળકો સાથે ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આતશબાજીથી આકાશમાં જોવા મળતા રંગબેરંગી રંગો જાણે માસુમ બાળકોના જીવનમાં પુરાઈ ગયાં હોય તેમ બાળકોનો ચહેરો ખુશીઓથી ખીલી ઉઠ્યો હતો. ફટાકડા ફોડ્યાનો આનંદ લીધા બાદ માલવિયાનગર પોલીસ મથકના પ્રાંગણમાં જ તમામ બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આમ પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર છે તે ઉક્તિ માલવિયાનગર પોલીસે સાર્થક કરી હતી.