ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ
Rajkot.તા.30
શહેરમાં ઈશ્વરીયા પાર્ક ખાતે આવેલ ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતેથી ભૂકંપ માપવાના યંત્રની ચોરીનો બનાવ સામે આવ્યો છે. મામલામાં ગાંધીગ્રામ પોલીસમાં મહેસાણાની કંપનીના ટેક્નિકલ આસિસ્ટન્ટે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મામલામાં મહેસાણાના વિસનગરમાં રહેતા બિહારીભાઈ રતીલાલ દરજી (ઉ.વ.૫૩)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મહેસાણાની આર્મ મેનેજમેન્ટ સર્વિસમાં ટેકનિકલ આસિસટન્ટ તરીકે નોકરી કરૂ છું. હું જ્યા નોકરી કરું છું તે એજન્સીને ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ-ગાંધીનગરએ કોન્ટ્રાકટ આપેલ છે. અમારી ઓફિસ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ રાયસણ,ગાંધીનગર ખાતે આવેલ છે. આખા ગુજરાતમાં આવેલ ભુકંપ સંશોધન કેન્દ્રમાં ભુકંપ માપવા માટે અલગ-અલગ સાધનો લાગેલા હોય છે. ગુજરાતમાં આવેલ આ તમામ કેન્દ્રોમાં અમારે વખતો વખત વિઝીટ કરવાની હોય તથા નવા સાધનો લગાડવાના હોય તથા મેન્ટેનંસ કરવાનું હોય છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇ તા.૦૪/૦૩/૨૦૨૫ના રોજ હું મારી ટીમ સાથે સવારે આઠ વાગ્યે રાજકોટ ખાતે ઇશ્વરીયા પાર્કમાં આવેલ ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતે નવા સાધનો લગાડવાના હોય જેથી ત્યાં ગયેલ હતા. નવા સાધનો લગાડી જુના સાધનો ત્યાં જ રાખીને બે કલાકમાં ત્યાથી નિકળી ગયેલ હતા. આ ભુકંપ સંધોશન કેન્દ્ર ખાતે સિક્યોરીટી ગાર્ડ પણ રાખેલ છે. ત્યારબાદ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ હું તથા દિલીપસિંહ કુશવાહ સાંજના સાતેક વાગ્યે ડેટા લેવા માટે તથા નિરીક્ષણ કરવા માટે રાજકોટમાં આવેલ ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતે આવેલ હતા. જ્યાં નિરીક્ષણ કરતા ધ્યાને આવેલ કે અગાઉ જે જુના સાધનો મુકી ગયેલ હતા તેમાંથી એસએમએ(સ્ટ્રોંગ મોશન એક્સલેરેશન) મશીન જેની કિંમત રૂ. 11461 મળી આવેલ નહિ. જેથી અમને લાગેલ કે કોઇ અજાણ્યો ચોર આ સાધન ચોરી કરી લઇ ગયેલ હશે. બાદ આ સાધનની જાણ ગાંધીનગર ખાતેની ઓફિસે અમારા ઉચ્ચ અધિકારીઓને કર્યા બાદ સીટીઝન પોર્ટલ પર ઈ-અરજી કરી ઓનલાઇન ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
મામલામાં ગાંધીગ્રામ પોલીસે ઈ-અરજીના આધારે ભૂકંપ માપવાનું યંત્ર ઉઠાવી જનાર અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.