ચંદ્રેશ નગરમાં નજીવી બાબતે યુવકનું ઢીમ ઢાળી દીધું
પાડોશીની પત્ની રિસાઈને ચાલી ગયા બાદ મૃતક યુવાનને જાણ હોવાની શંકાએ ખૂની ખેલ ખેલાયો, બંને શખ્સો સકંજામાં
RAJKOT, તા.7
રાજકોટ રક્તરંજીત બન્યું હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને ખુની ખેલ ખેલાઈ રહ્યા હોવાની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં આવેલા ચામુંડાનગરમાં પાડોશી યુવકની પત્ની રિસાઈને ચાલી ગયા બાદ પાડોશી યુવકની પત્નીની જાણ હોવાની શંકાએ મિત્ર બેલડીએ યુવાન સાથે ઝઘડો કર્યો હતો. અને યુવાન ચંદ્રેશનગરમાં હતો ત્યારે બન્ને શખ્સોએ યુવાન ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. યુવકને મોતને ઘાટ ઉતારનાર બન્ને શખ્સોને પોલીસે સકંજામાં લઈ તપાસનો દૌર લંબાવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ સામે આવેલા ચામુંડા નગરમાં રહેતો કમલેશ વિનોદભાઈ રાઠોડ નામનો 24 વર્ષનો યુવાન ચંદ્રેશનગર વિસ્તારમાં હતો ત્યારે પાડોશમાં રહેતા નિલેશ જિલુભાઈ વાઘેલા અને તેના મિત્ર આશિષ ટાંક ઝઘડો કરી કમલેશ રાઠોડ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા કમલેશ રાઠોડને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના અંગે જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ ક્રાઈમ બ્રાંચ અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક કમલેશ રાઠોડ બે ભાઈમાં મોટો હતો અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પાડોશીની પત્ની રિસાઈને ઘરેથી ચાલી ગઈ હતી જે અંગે ની જાણ કમલેશ રાઠોડને હોવાની શંકાએ આજે સવારથી બન્ને વચ્ચે બોલાચાલી ચાલતી હતી. અને અંતે નિલેશ વાઘેલાએ મિત્ર આશિષ ટાંક સાથે કમલેશ રાઠોડને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક કમલેશ રાઠોડ બે ભાઈમાં મોટો અને અપરણીત હતો. કમલેશ રાઠોડના મોટાભાઈ કલ્પેશ રાઠોડનું સાત માસ પૂર્વે લિમડા સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હતું. અકસ્માતમાં નાના પુત્ર કલ્પેશ રાઠોડના મોત બાદ કમલેશ રાઠોડની કરપીણ હત્યા થતાં માતા-પિતાએ સાત મહિનામાં બન્ને કંધોતર ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.