‘હું દવા પી જાઉં છું’- કહી પત્નીનો ફોન કાપી નાંખી પતિએ માતા-પિતા સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો’તો
RAJKOT,તા.૭
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા આર્યનગરમાં વૃદ્ધ દંપતી અને પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 70 વર્ષીય પિતાનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારનો માળો વિખાઈ ગયો છે. ગૃહ ક્લેશમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સંતકબીર રોડ પર આર્યનગર શેરી નંબર-20માં રહેતા ભરત કોટેચા (ઉ.વ.70)એ પત્ની સરલાબેન (ઉ.વ.70) અને પુત્ર ગૌરવ કોટેચા (ઉ.વ.35) સાથે મળીને પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી હતી. જેથી ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરીને બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આપઘાતનો પ્રયાસ કરનાર ગૌરવ શૉરૂમમાં નોકરી કરી છે. તેની પત્ની રાધિકા અને માતા સરલાબેન વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જેથી આઠેક દિવસ અગાઉ રાધિકા રાજકોટમાં રહેતા પોતાના માવતરે રિસામણે ચાલી ગઈ હતી. ગૌરવે રાધિકાને ફોન કરીને આપણે અલગ જતા રહેવા જઇશું તેમ કહ્યું હતુ. આ દરમિયાન ફોનમાં દંપતી વચ્ચે ચડભડ થતાં ગૌરવે ‘હું દવા પી જાઉં છું’ કહી ફોન કાપી નાંખ્યો હતો.
જે બાદ રાધિકાને શંકા જતાં તેણી આર્યનગરમાં પતિના ઘરે તપાસ કરવા દોડી આવી હતી. જ્યાં સાસુ-સસરા અને પતિ ઝેરી દવા પીવાથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેથી તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 70 વર્ષીય વૃદ્ધ ભરત કોટેચાનું મોત નીપજતા પરિવારનો માળો વિખાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝઘડાના કારણે રાધિકાએ બે મહિના પહેલા ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.