પરેશ મારૂ રાજકોટ બાર એસોસિએશનના નવા પ્રમુખ બન્યા
Rajkot,તા.૨૧
રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. પરેશ મારૂ રાજકોટ બાર એસોસિએશનના નવા પ્રમુખ બન્યા. જ્યારે રાજકોટમાં વર્ષોથી પ્રમુખ તરીકે ચૂંટાતા બકુલ રાજાણીએ આ વખતે હારનો સામનો કરવો પડ્યો. આ વખતની બાર એસોસિએશની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો. આ ચૂંટણીમાં ત્રણ પેનલ મેદાનમાં હતી. સમરસ પેનલ, કાર્યદક્ષ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે જંગ હતો જેમાં દિલીપ જોશીના નેજા હેઠળની સમરસ પેનલે ચૂંટણીમાં બાજી મારી. બાર એસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે સુમિત વોરા ચૂંટાયા.
ગઈકાલે ૨૦ ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. બાર એસોસિએશનના સમિતિ સભ્યો મળી કુલ ૧૬ હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૬ હોદેદારો, ૧ મહિલા અનામત અને ૯ કારોબારી સભ્ય સામેલ હતા. સવારે ૯ વાગ્યે વકીલોના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. અને બપોરે ૩ વાગ્યા સુધી મતદાન થયું. થોડા સમયના અંતરાલ બાદ ૪ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. આ ચૂંટણીમાં ૩૬૯૯માંથી ૨૧૨૨ વકીલોએ મતદાન કર્યું હતું.
ચૂંટણીના મેદાનમાં દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ અને પરેશ મારૂની સમરસ પેનલ ચૂંટણી મેદાનમાં હતી. આ સિવાય પ્રમુખ પદ માટે અન્ય ત્રણ ઉમેદવારોમાં અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલાએ પણ ચૂંટણી લડયા હતા. આમ કુલ ૫૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જેમાં સમરસ પેનલની જીત થઈ હતી.