Rajkot, તા. 29
મેટોડામાં મંજૂરી વગર ફટાકડા સ્ટોલ ખોલી નાખનાર વેપારી સામે ગુનો નોંધાયો છે. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ રૂરલ એસઓજીએ કાર્યવાહી કરી હતી. અન્ય સ્ટોલ પર આજે ચેકીંગ કરાયું હતું.
ભારતીય ન્યાય સહિતા 2023 ની ક.125,288 તથા સ્ફોટક અધિનીયમ 1884 ની કલમ 9બી(1-એ,બી), મુજબ શાપર પોલીસ મથકે એસઓજી ટીમે આરોપી વેપારી યાજ્ઞિક શૈલેષભાઈ જરવરીયા (રહે.મેટોડા જીઆઇડીસી ગેટ નં. 3) સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ પોતાના ફટાકડાના સ્ટોલમાં અલગ અલગ પ્રકારના જમીનમાં તેમજ આકાશમાં ઘડાકાથી ફુટી શકે તેવા ફટાકડા રાખ્યા હતા.
જેની કિંમત 1,28,478 થાય છે. આરોપી જાણતા હોવા છતા કોઇપણ પ્રકારના લાયસન્સ કે, આધાર વગર અને કોઇપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાય તેવી બેદરકારી દાખવી સ્ટોલમાં ફટાકડા રાખ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, રાત્રે 1.30 વાગ્યાં આસપાસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ગેટ પાસે આ સ્ટોલ ખુલ્લો હતો. આરોપી ફટાકડા ગોઠવતો હતો. અને પોલોસની નજર પડતા પુછપરછ બાદ કાર્યવાહી કરી હતી. આરોપી મૂળ ડ્રાઇવિંગનું કામ કરે છે. દિવાળીની સીઝન હોવાથી ફટાકડા સ્ટોલ ખોલ્યો હતો. ફટાકડા વેચાણ માટે લાયસન્સ મેળવવા અરજી કરવી પડે છે.
જે પછી સંબંધિત પોલીસ મથકનો અભિપ્રાય મેળવ્યા બાદ અધિક કલેકટર દ્વારા લાયસન્સ ઈશ્યુ કરવામાં આવે છે. જોકે યાજ્ઞિક જરવરીયા કોઈ અરજી કરી નહોતી. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે જે ગેરકાયદે ફટાકડા સ્ટોલ ચાલતો હતો. તેની આસપાસ બીજા ફટાકડા સ્ટોલ પણ છે. જોકે રાતે તે બંધ હોવાથી આજે પોલીસ ત્યાં ચેકીંગ કરશે.
આ કામગીરીમાં રાજકોટ રૂરલ એસઓજી પીઆઇ એફ.એ.પારગી, પીએસઆઈ બી.સી. મિયાત્રા, એ.એસ.આઇ જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઈ નીરંજની, ઇન્દ્રસિંહ જાડેજા, અમીતભાઇ કનેરીયા, હેડ.કોન્સ. શિવરાજભાઇ ખાચર, વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવત, પ્રહલાદસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ વિજયગીરી ગૌસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર તથા રઘુભાઇ ઘેડ ડ્રા.એ.એસ.આઇ અમુભાઇ વિરડા ફરજ પર રહ્યા હતા.