જુગાર રમવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી ધોકા વડે તૂટી પડ્યા,
લક્ષ્મીના ઢોરા પાસે પાણી ભરવા મુદ્દે પાડોશીઓ બાખડયા: ર મહિલા સહીત કુલ 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
Rajkot તા.૫
શહેરમાં નજીવી બાબતે ત્રણ સ્થળો પટ બઘડાટી બોલતા કુલ પાંચ ઘવાયા છે. ભગવતીપરામાં રીક્ષા શેરીમાં રાખવા બાબતે પિતા-પુત્રો પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને પેટના ભાગે છરી ઘોપી દેવામાં આવી છે. જયારે બીજા બનાવમાં કાલાવડ રોડ પર જુગાર રમવા બાબતે અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સો ધોકા-પાઇપ વડે તૂટી પડ્યા હતા જયારે ત્રીજા બનાવમાં લક્ષ્મીના ઢોરા પાસે પાણી ભરવા મામલે પાડોશીઓ બાખડતા એક યુવાન ઈજાગ્રસ્ત થયો છે. ત્રણેય બનાવમાં બી ડિવિઝન અને યુનિવર્સીટી પોલીસ મથકમાં 10 વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રથમ બનાવમાં શહેરના ભગવતીપરા શેરી નંબર 9 માં રહેતા યુવકના પિતાને રીક્ષા શેરીમાં લાવવાની ના કહી ચાર માથાભારે શખ્સોએ માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવક,તેના પિતા અને નાના ભાઈને માર મારતા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ત્રણ શખ્સોએ પકડી રાખી એક શખ્સે પેટમાં છરી ઘોપી દેતા યુવકને અર્ધબેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
શહેરના ભગવતી પરા શેરી નંબર 9 માં રહેતા મિહિરભાઈ જગદીશભાઈ વાઘેલા (ઉં.વ.21) નામના ફાસ્ટ ફૂડના ધંધાર્થીએ ભગવતીપરામાં રહેતા સિકંદર રાઉમા, અફજલ રાઉમાં, દરેડ ઉર્ફે દલિયો રાઉમા અને સમીર રાઉમાએ માર માર્યાની પોલીસ ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી અને ફરિયાદી પાડોશમાં રહે છે. ફરિયાદી યુવક મિહિરના પિતાને રીક્ષા પોતાની શેરીમાં લઈ આવવી નહિ તેમ કહી ફરિયાદી તથા તેની સાથેના યુવકને(યુવરાજ) મુંઢ માર માર્યો હતો. બાદમાં આરોપીઓ ફરિયાદીના ઘર પાસે જઈ મિહિર તથા તેના પિતા જગદીશભાઈને ગાળો ભાંડતા ઢીકા પાટુનો માર માર્યો હતો. જે દરમિયાન મારામારીમાં વચ્ચે પડેલા અન્યોને પણ ઢીકાપાટુનો માર મારતા ફરિયાદીના નાનાભાઈ આશિષને આરોપી સિકંદર, દરેડ ઉર્ફે દલિયો અને સમીરે પકડી રાખી આરોપી અફજલે છરી વડે આશિષને પેટમાં છરીના ઘા ઝીંક્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની વધુ તપાસ હાથધરી છે. પીએસઆઇ એમ.આઇ.શેખ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બીજા બનાવમાં કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોરા પાસે યુવક સાથે અગાઉ જુગાર રમવા બાબતે માથાકૂટ થયાનો ખાર રાખી ચાર શખસોએ યુવકને ધોકા અને પાઈપ વડે માર મારી તેના હાથ પગ ભાંગી નાખ્યા હતા.આ ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં યુવકની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
શહેરમાં કટારીયા ચોકડી પાસે રહેતા નિલેશભાઈ શાંતિભાઈ પરમારે યુનિવર્સિટી પોલીસમાં આરોપીમાં ભગા કોળી, હિતેશ કોળી, શક્તિ કોળી અને અજય બાવાજીનું નામ આપી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ તેમના મિત્ર સાથે લક્ષ્મીના ઢોરા પાસે દુકાને બેઠા હતા. ત્યારે આરોપીઓ બે વાહન પર ધોકા-પાઈપ સાથે ધસી આવ્યા હતા અને યુવકને ગાળો આપી અગાઉ જુગાર રમવા બાબતે થયેલા ઝગડાનો ખાર રાખી ધોકા વડે તૂટી પડયા હતા. તેમજ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી નાશી છુટયા હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસ આ મામલે એટ્રોસિટીની કલમો હેઠળ ચાર સામે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના લક્ષ્મીના ઢોરા પાસે, નર્મદા વંડા પાછળ, ઈંટોના ભઠ્ઠા પાસે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવકને પાણી ભરવા મુદ્દે પાડોશી દંપતીએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.
શહેરના લક્ષ્મીના ઢોરા પાસે, નર્મદા વંડા પાછળ,ઈંટોના ભઠ્ઠા પાસે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મંજુલાબેન વિરજીભાઈ પરમાર (ઉં.વ.60) નામના વૃદ્ધાએ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા પ્રવીણ બાવનજીભાઈ બગડા અને ભાનુ પ્રવીણ બગડાએ માર માર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી મંજુલાબેનના પુત્ર સાથે આરોપી ભાનુબેનએ પાણી ભરવા મુદ્દે માથાકૂટ કરેલ હોય જેનો ખાર રાખી આરોપી ભાનુબેનના પતિ પ્રવીણ બગડાએ ફરિયાદીના પુત્રને ગાળો ભાંડી ઢીકા-પાટું તથા ધોકા વડે માર મારતા ફરિયાદીના પુત્રને ડાબા હાથમાં ફ્રેકચર કરી બંને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિજુભા ધનુભા જાડેજા ચલાવી રહ્યા છે.