Rajkot, તા. 12
રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા 2700થી વધુ ફેરીયાઓને સમાવતા હોકર્સ ઝોનમાં બેસતા ધંધાર્થીઓના માસિક ભાડાના દરમાં ત્રણ ગણો વધારો કરવાની દરખાસ્તનું ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમજીવીઓના હિતમાં સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે ઓપરેશન કર્યુ છે. હોકર્સ ઝોનના ભાડા માસિક રૂા. 500 યથાવત રાખવામાં આવ્યા છે.
તો ખુબ મેન્ટેનન્સવાળા સફાઇ કામ બદલ તેઓના જયાં ધંધા છે તે ઝોનની સફાઇ માટે માસિક રૂા. 500 ઉઘરાવવા મંજૂરી અપાઇ છે. કમિશ્નરની દરખાસ્ત મુજબ મહિને રૂા. 1500 ભાડુ, રૂા.500 સફાઇ ચાર્જ અને રૂા. 2500 રજીસ્ટ્રેશન ફી હતી. પરંતુ હવે ધંધાર્થીઓને સફાઇ ચાર્જ સહિત મહિને રૂા. 1000 ભરવા પડશે.
ચેરમેને માહિતી આપતા કહ્યું હતું કે, હોકર્સ ઝોનમાં રજીસ્ટ્રેશન અને માસિક ભાડાના દરો તથા નિયમો રીવાઇઝ કરવા સહિતની તમામ 53 દરખાસ્ત આજની મીટીંગમાં મંજૂર કરવામાં આવી છે. દરખાસ્તમાં ઝોનના હોકર્સનું ભાડુ રૂા.500માંથી 1500 કરવા ભલામણ હતી. જે નામંજૂર કરાઇ છે. રૂા. 2500 રજીસ્ટ્રેશન ફી પણ લેવામાં આવશે નહીં.
પરંતુ તેમના ધંધાના સ્થળે સંપૂર્ણ સફાઇ માટે આવતા ખર્ચ બદલ પ્રતિ હોકર્સ રૂા. 500નો સફાઇ ચાર્જ લેવાશે તેવું નકકી કરવામાં આવ્યું છે. આજની મીટીંગમાં નવા રસ્તા માટે 33 કરોડ, વોર્ડ નં.પના મંછા નગરમાં ડીઆઇ પાઇપલાઇન માટે 2.18 કરોડ, એનીમલ હોસ્ટેલ અને ઝુ માટે 1.87 કરોડ, રેલ્વે બ્રીજ માટે 1.17 કરોડ, વોર્ડ નં. 11ના મવડીમાં નવા ફાયર સ્ટેશન માટે ર3.ર4 કરોડ, વોર્ડ નં.રમાં તાર ઓફિસ પાસેનો વોંકળો પાકો કરવા 1.3પ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
ટાઉન વેન્ડીંગ કમીટી
કેન્દ્ર સરકારની નીતિ મુજબ સ્ટ્રીટ વેન્ડીંગ રૂલ્સ અંતર્ગત જાહેરનામું પ્રસિધ્ધ થયું છે. આ માટે ટાઉન વેન્ડીંગ કમીટીની રચના કરવા અને તેમાં છ પ્રતિનિધિઓ ઝોનમાંથી લેવા નકકી કરાયું છે. બે પુરૂષ, બે મહિલા, ઓબીસી મહિલા, અનુ.જાતિ પુરૂષ, અનુ.આદિજાતિ પુરૂષ સહિત છ સભ્યોને કમીટીમાં લેવા હોકર્સ ઝોનમાં ધંધો કરતા વિક્રેતાઓની યાદી તૈયાર કરવામાં આવશે.
આ મતદાર યાદી પરથી નામાંકનપત્રો મંગાવી છ સભ્યોની ચૂંટણી કરવામાં આવશે. આ માટે ચૂંટણી અધિકારીની નિમણુંક કરવા અને ચૂંટણી યોજવા કમિશ્નરને અધિકૃત કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
પ્રદ્યુમન પાર્ક
લોકોના ફરવાના સૌથી પ્રિય સ્થળ પ્રદ્યુમન પાર્ક ખાતે મુલાકાતીઓ માટે ચાલવા રોડની પહોળાઇ ખુબ ઓછી છે આથી 5552.30ના 126500 ચો.મી. ભાગમાં રસ્તો પહોળો કરવા નિર્ણય લેવાયો છે
જે કામ માટે 25.83 લાખ મંજૂર કરાયા છે. ઝુ અને રાંદરડા તળાવના ડૂબાણમાં આવતી કમ્પાઉન્ડ દિવાલ આરસીસી કરવા 94.68 લાખ મંજૂર કરાયા છે. તો પ્રાણીઓ માટે લાયન સફારી પાર્કમાં નાઇટ શેલ્ટર અને ચેકડેમ બનાવવા ચાર-ચાર રી-ટેન્ડર બાદ 1.54 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
રેલનગર આવાસ યોજના
વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારની અલગ અલગ કુલ 14 આવાસ યોજનાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટીંગ તથા પેવીંગ બ્લોકના કામ માટે 61.20 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
અન્ય દરખાસ્તો
મહાપાલિકાના વેસ્ટ ઝોનમાં આવેલા કોમ્યુનિટી હોલ, મલ્ટી એકટીવીટી સેન્ટર, વેસ્ટ ઝોન ઓફિસ, કવિશ્રી અમૃત ઘાયલ હોલ, ત્રણ સ્કુલ મળી આઠ મિલ્કતમાં ફાયર સેફટી સિસ્ટમ વસાવવા 3.04 કરોડના ખર્ચને આજની મીટીંગમાં મંજૂરી અપાઇ છે.
વોર્ડ નં.3માં નવા ભળેલા મનહરપુર વિસ્તારમાં 29 લાખના ખર્ચે નવી લાયબ્રેરી બનાવવામાં આવશે. તો વોર્ડ નં.3 બેડીનાકા ખાતે ર9.78 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. આ રીતે તમામ 53 દરખાસ્તો માટે 97.07 કરોડનો ખર્ચ મંજૂર કરાયાનું ચેરમેને જણાવ્યું હતું.