Rajkot તા.૨૬
ઉછીના લીધેલા રૂ. ૩.૩૨ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી માતા પુત્રને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, સંગીતા નિલેષભાઈ કોઠારીએ સંબંધના દાવે માતાપુત્ર નિર્મળાબેન પ્રેમજીભાઈ પાટડિયા અને જયેશભાઈ પ્રેમજીભાઈ પાટડિયાને ૩.૩૨ લાખ હાથ ઉછીના આપેલ અને જેના બદલામાં ચેક અને પ્રોમિસરી નોટ લખવી લીધેલ અને રકમ પરત મેળવવા ફરિયાદીએ તેમની પાસે રહેલ ચેક બેન્કમાં વટાવવા રજૂ કરતાં ચેક અપૂરતા ભંડોળની નોંધ સાથે પરત ફર્યો હતો. જેથી સંગીતાબેને ઉપરોક્ત બંને આરોપી વિરુદ્ધ ચેક રિટર્નનો નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળનો ફોજદારી કેસ રાજકોટ કોર્ટમાં દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી દ્વારા અલગ અલગ લોકો મારફત આરોપી સામે જુદી જુદી ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોવાનો પુરાવો રેકર્ડ ઉપર આવતા ફરિયાદી વ્યાજ વટાવનો ધંધો કરતાં હોવાનું સાબિત થયેલ અને ચેક મુજબનું લેણું ન હોવા છતાં મોટી રકમ ભરી ખોટી ફરિયાદ કર્યાનું સાબિત થતાં બંને આરોપીના એડવોકેટ રાજેન્દ્રસિંહ ડી ગોહિલની દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી નિર્મળાબેન પ્રેમજીભાઇ પાટડિયા તેમજ જયેશભાઇ પ્રેમજીભાઇ પાટડિયાને કેસમાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ઉપરોક્ત કેસમાં આરોપીના વકીલ તરીકે રાજેન્દ્રસિંહ ડી ગોહિલ, પ્રકાશસિંહ બી ગોહિલ, દેવ્યાંશી એ. ગડેશીયા તથા રુદ્રદત્તસિંહ આર. ગોહિલ, એમ. ડી. જાદવ રોકાયા હતા.