Rajkot,તા.26
રાજકોટના નાના મવા મેઈન રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહેતા અને વાવડીમાં મારૂતિ કોમ્પ્લેક્ષમાં છેલ્લા ચાર વર્ષથી જગતાત ફૂડ પ્રોડક્ટ નામે તલ, જીરું, ચણા, મગફળી, ધાણાદાળ સહિતની ખેત પેદાશો પ્રોસેસ કરી વેપાર કરતા વ્રજલાલભાઈ વિઠ્ઠલભાઈ કોલડીયા (ઉ.વ.૩૮)એ મુંબઈના થાણેના પટેલ સપ્લાયર કિરાણા સ્ટોરના પંકજ ભદ્રા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં રૂ.૯,૩૦,૫૯૦ની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે ગત ૨૦ સપ્ટેમ્બરના પંકજનો ફોન આવેલ અને ૧૫ હજાર કિલો ચણા જોઈએ છે તેવી વાત કરતા એક કિલોના ૮૩.૫૦ ભાવ આપ્યો હતો અને એડવાન્સ પેમેન્ટની વાત કરતા સોદો નક્કી થયો હતો. જે બાદ મુંબઈના ગઠીયાએ બે લાખ એડવાન્સ મોકલ્યા હતા. જેથી ૨૯ સપ્ટેમ્બરના રોજ પોતે ૧૩,૫૪૦ કિલો ચણા લઈ મુંબઈ પહોચ્યા હતા અને બીજા દિવસે ભીવંડી માર્કેટમાં પહોચી ફોન કરતા તેણે માલ ત્યાં ઉતારવા કહેતા પેમેન્ટ માંગતા તેણે પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો.
માલ ઉતાર્યા બાદ બેંકમાં ચેક કરતા પેમેન્ટ આવ્યું ન હોય ફોન કરતા ઓફિસે બોલાવતા ત્યાં જતા તે મળેલ નહિ ફરી ફોન કરતા તમે રાજકોટ જાવ હું પેમેન્ટ મોકલી દઈશ તેમ કહેતા વેપારી ત્યાં જ રોકાઈ ગયાં હતા. બીજા દિવસે ફોન કરતા ફોન સ્વીચ આવતો હોય આજદિન સુધી સંપર્ક ન થતા અંતે ફરિયાદ નોંધાવી હતી.