Rajkot,તા.2
રાજકોટથી અમદાવાદનું અંતર ટુંકુ થઈ જાય અને ટ્રાફિકની સમસ્યાનો હલ આવે તે હેતુથી રાજયના માર્ગ મકાન વિભાગ દ્વારા રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઈવે બનાવવાનું આયોજન કરાયું હતું. અને આ સિકસલેનનું કામ વર્ષ 2018માં શરૂ કરી દેવાયું હતું. આ હાઈવે વર્ષ 2020 સુધીમાં પૂર્ણ કરી અને કાર્યરત કરી દેવાની શરત સાથે માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાકટરને કામ સોંપ્યુ હતું.
પરંતુ આ વાતને સાત વર્ષ વિતી ગયા છતા પણ આજની સ્થિતિએ સિકસલેનનું કામ મંદ ગતીએ ચાલી રહ્યું છે અને હજુ પણ સિકસલેન હાઈવેનું કામ સંપૂર્ણ પૂર્ણ થતા એકાદ વર્ષ નિકળી જશે તેવું માર્ગ મકાન વિભાગનું કહેવું છે.
જોકે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે કામ બે વર્ષમાં પુરૂ કરવાનું થતું હતું. તેને સાત વર્ષ થઈ ગયા અને હજુ તંત્ર એક વર્ષનું કહે છે, ત્યારે એક વર્ષમાં કામ પૂરૂ થશે કે કેમ? પરંતુ માર્ગ મકાન વિભાગ દાવા સાથે કહે છે કે તાજેતરમાં જે નવી એજન્સીને કામ અપાયું છે તે ખૂબ જ ઝડપી કામ કરે છે.
આથી, એક વર્ષમાં સિકસલેનનું સંપૂર્ણ કામ પુરૂ થઈ જશે!! સિકસલેનનાં કામ સાથે સંકળાયેલ સ્થાનિક માર્ગ મકાન વિભાગના ઈજનેરી સૂત્રોનો એવો દાવો છે કે હાલ હાઈવેનું 90 ટકાથી વધુ કામ પુરૂ થયું છે. ત્યારે, પ્રશ્ન એ પણ ઉઠે છે કે બાકીનું 10 ટકા કામ પુરૂ થતા હજુ એક વર્ષ થશે?
દરમ્યાન માર્ગ મકાન વિભાગનાં સ્થાનિક ઈજનેરી સૂત્રોનાં જણાવ્યા મુજબ અમારે ગ્રીનલેન્ડ ચોકડીથી બામણબોર સુધીનું કામ સંભાળવાનું છે. ત્યારે સાત હનુમાન પાસેનો ફલાય ઓવર શરૂ કરી દેવાયો છે. રોડનું કામ બે માસથી શરૂ કરી દેવાયું છે. જયારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરીના ડાબી-જમણી બાજુનો પુલ શરૂ કરી દેવાયો છે. અને ડાબી બાજુના પુલમાં હાલ ગડર ફીટ કરવાનું કામ ચાલી રહ્યું છે.
અત્રે 6 ગડર ફીટ કરવાના છે અને તે પૈકી 3 ગડર ફીટ થઈ ગયા છે. આ કામ પણ આવતા માસમાં પુરૂ થઈ જશે અને પુલ પણ શરૂ કરી દેવાશે. વધુમાં ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના કુવાડવા પાસેનો બ્રીજ જે હાલ બંધ છે તેનું કામ પણ મંજૂર થઈ ગયું છે. અને આવતા મહિનાથી તેનું કામ પણ શરૂ થઈ જશે.
ઉપરોકત બન્ને પૂલો કાર્યરત થતા વાહનોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે. સિકસલેનને સંપૂર્ણ કાર્યરત કરવા માટે માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઈવેના સતાવાળાઓ હાલ દાવા તો સારા કરી રહ્યા છે. પરંતુ આવતા વર્ષની શરૂઆત સુધીમાં હાઈવે સંપૂર્ણ કાર્યરત થશે કે કેમ? તે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે.