Rajkot, તા.12
હાઇકોર્ટ બેંચ માટે રાજકોટ બારની બેઠક મળી હતી, જેમાં આ લડતમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા – તાલુકા બારને જોડવા નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં નવેસરથી સાથે મળી સૌને વિશ્વાસમાં લઈ એક્શન કમિટી રચવામાં આવશે. જુદા જુદા જિલ્લા અને તાલુકાના બારના પ્રમુખ અને સેક્રેટરીને બોલાવી એક સૌરાષ્ટ્ર કક્ષાની બેઠક બોલાવવામાં આવશે પછી સરકારમાં વિધિવત રજુઆત કરાશે.
બાર એસો.ના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ બાર પ્રમુખ પરેશ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી સંદીપ વેકરીયા, બારના તમામ હોદ્દોદારો, કારોબારી સભ્યો જોડાયા હતા. ઉપરાંત આ બેઠકમાં સિનિયર એડવોકેટ જી. કે. ભટ્ટ, હેમેનભાઈ ઉદાણી, મહર્ષિભાઈ પંડયા, આર.એમ. વારોતરીયા, એલ.જે. શાહી, ટી.બી. ગોંડલીયા, જયેશભાઈ દોશી, જી.આર.ઠાકર, બીપીનભાઈ મહેતા, જયદેવભાઈ શુકલ, પિયુષભાઈ શાહ, આર.બી. ગોગીયા, જી. એલ. રામાણી, સંજયભાઈ વ્યાસ, રમેશભાઈ કથીરીયા, સ્મીતાબેન અત્રી, મહેશ્વરીબેન ચૌહાણ, અશોકસિંહ વાઘેલા, તુષારભાઈ ગોકાણી, રાજેશભાઈ મહેતા, કે.ડી. શાહ, સુરેશભાઈ સાવલીયા, બિમલ જાની, હિતેષ દવે, બિપીન આર. કોટેચા, વિજયભાઈ તોગડીયા, જયંતભાઈ ગાંગાણી, માધવભાઈ દવે, ગોપાલભાઈ ત્રિવેદી, જે.એફ. રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ચર્ચા મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છના હાર્દ સમા રાજકોટ શહેરને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે અંગે રાજકોટ બાર એશોસીએશન દ્વારા રચાયેલ કમિટીની મીટીંગ યોજાઈ હતી. સીનીયરો દ્વારા વિચાર-વિમર્સ કરી એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. કાયદાની જોગવાઈ ધ્યાને લઈ પ્રપોઝલ તૈયાર કરી પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા, ગુજરાત રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કાયદા મંત્રી, ચીફ જસ્ટીસ ગુજરાત હાઈકોર્ટ તથા ગવર્નરને મોકલવામાં આવશે.
આ ભગીરથ કાર્યમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની આશરે 3.30 કરોડ જનતાના હિતાર્થે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, એન.જી.ઓ., ટ્રસ્ટો, વિગેરેનો સાથ સહકાર મેળવાશે. રાજકોટને સર્કીટ બેંચ મળે તે માટે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લા તથા તાલુકાના બાર એશોસીએશનને પત્ર પાઠવી પોતાનું યોગદાન આપવા વિનંતી કરાશે.
રાજકોટની વર્ષો પહેલાંની પડતર માંગણીને સફળતા મળે તે માટે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ સંસદ સભ્યો અને ધારાસભ્યોનો સાથ સહકાર મેળવી, દિશાસુચન મેળવી આ ભગીરથ કાર્યમાં જોડાવવા વિનંતી કરાશે. સમાજના નાનામાં નાના વર્ગને સરળતાથી સસ્તો અને ઝડપી ન્યાય મળે તથા કેસોનો ઝડપી નિકાલ થાય, કેસોનું ભારણ ઘટે તે દિશામાં રાજકોટ બાર એશોસીએશનની સમગ્ર ટીમ કામગીરી કરશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આશરે 3.30 કરોડની વસ્તી, 28000 વકીલો
ગુજરાતની વસ્તી જોવામાં આવે તો વર્ષ-2025માં 7.35 કરોડની વસ્તી છે. સૌરાષ્ટ્ર-કચ્છની વસ્તી જોવામાં આવે તો વર્ષ-2025માં આશરે 3.30 કરોડની વસ્તી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસનો ભરાવો જોવામાં આવે તો આશરે 16,90,643 કેસો પેન્ડીંગ છે. ગુજરાત હાઈકોર્ટ લોર્ડશીપની આશરે પર માંથી 20 જગ્યા ખાલી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ-10 જિલ્લાઓ આવેલ છે.
જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, રાજકોટ. આ તમામ જિલ્લાઓનું હાર્દ ’રાજકોટ’ સૌરાષ્ટ્ર-કચ્છનું પાટનગર કહી શકાય. રાજકોટને સર્કીટ બેંચ એ સામાન્ય એડવોકેટને લગતો પ્રશ્ન નથી. પરંતુ, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની આશરે 3.30 કરોડની જનતાને સ્પર્શતો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આશરે 25000 થી 28000 એડવોકેટોનો પ્રશ્ન છે.