Rajkot,તા.5
રાજકોટ શહેરમાં આજે દરેક શહેરીજનોનાં ચહેરા ઉપર ‘સિને મે જલન… આંખો મે તુફાન સા કયું હૈ’! જેવા ભાવ દેખાતા હતા. કારણ કે, આજે બપોરે રાજકોટમાં ચાલુ ઉનાળુ સિઝનનું સૌથી હાઈએસ્ટ તાપમાન નોંધાયુ હતું.કારખાનાની અગન ભઠ્ઠીમાંથી જેવા બળબળતી ગરમી અને લૂં આવતી હોય તેવી ગરમી અને લૂનો સામનો આજે બપોરે રાજકોટવાસીઓએ કર્યો હતો અને સૂર્યદેવતાનાં ભયંકર કોપથી નગરજનો ત્રસ્ત બની ગયા હતા.
સ્થાનિક હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ આજરોજ બપોરે 2.30 કલાકે જ શહેરનું તાપમાન 43 ડીગ્રી સુધી પહોંચી ગયુ હતું. જયારે બપોરે હવામાં ભેજ 14 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 6 કી.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, બપોરે પવનની ઝડપ ઓછી હોય આજે રાજકોટનું મહતમ તાપમાન 44 ડીગ્રીને સ્પર્શી જવાની પુરી શકયતા છે. દરમ્યાન આજે સવારે 8.30 કલાકે રાજકોટનું તાપમાન 28 ડીગ્રી અને લઘુતમ તાપમાન 24.2 ડીગ્રી નોંધાયુ હતુ. જયારે, સવારે હવામાં ભેજ 70 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. રહી હતી.નોંધનીય બાબત એ પણ છે કે, આજરોજ રાજકોટમાં 44 ડીગ્રી સુધી તાપમાન પહોંચી જતા શહેરમાં બપોરે સ્વયંભુ કર્ફયુ જેવો માહોલ છવાઈ ગયો હતો અને રાજમાર્ગો તથા બજારો સુમસામ નજરે પડી હતી.