Rajkot તા.6
રાજકોટ-ભુજ વચ્ચે રેલવે તંત્રએ સ્પે. ટ્રેન દોડાવવા બે વખત પ્રયાસ કર્યો છે. છતાં પુરતો ટ્રાફિક નહીં મળતા ફરી આ ટ્રેનને રદ કરવામાં આવી છે. વેપાર-વાણીજય અને મુસાફરોની રજૂઆતોને ધ્યાને લઈ રેલવે તંત્રએ રાજકોટ-ભુજ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પે. ટ્રેન જુલાઈથી સપ્ટેમ્બર સુધી દોડાવવા નિર્ણય લીધો હતો. જેમાં મુસાફરોનો ટ્રાફિક નહીં મળતા આ ટ્રેનને ફરી કેન્સલ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધામાં ધ્યાનમાં રાખીને ગત જુલાઈમાં તા.29થી તા.27મી સપ્ટેમ્બર સુધી ત્રિ-સાપ્તાહિક સ્પે. ટ્રેન કુલ 54 ફેરા મંજુર કરી ટ્રેનને દોડતી કરી હતી. આ ટ્રેન દર મંગળવાર, ગુરૂ અને શનિવારે રાજકોટથી દોડતી કરી હતી.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર સ્લીપર જનરલ કોચની સુવિધા હોવા છતા આ ટ્રેનમાં ટ્રાફિક નહીં મળતા આખરે આ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવે તંત્રએ રાજકોટ-ભુજ ત્રિસાપ્તાહિક સ્પે. ટ્રેનને તા.7મી ઓગષ્ટથી તા.27મી સપ્ટેમ્બર સુધી રદ કરી હોવાની સતાવાર જાહેરાત કરી છે.
આજે મોરબી-વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન રદ્દ
રેલવે તંત્રની યાદી મુજબ ટેકનીકલ કારણોસર આજે તા.6ના રોજ મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની મુસાફરોએ નોંધ લેવી.