Rajkot.તા.૨૪
ત્રિલોક પાર્કમાં નિંદ્રાધીન વેપારીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.૧.૨૬ લાખની મતા ચોરી નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે ત્રિલોક પાર્ક શેરી નં.૨ માં અક્ષર સ્કૂલની સામે રહેતાં જસ્ટીન રોબોટભાઇ મેકવાન (ઉ.વ.૩૨) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમની પત્નિ સ્નેહાબેન સાથે રહે છે અને તે કોમ્યુટર સેલ્સ એન્ડ સર્વિસનહ કામ કરે છે.
ગઇ તા.૨૧ના સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ દંપતી તેમની જામનગર રોડ પર રહેતાં બહેનની ઘરે ગયેલ હતા. ત્યાંથી આશરે દશેક વાગ્યે પરત ઘરે આવી ગયેલ અને દંપતી મકાનમાં નીચેનો દરવાજો બંધ કરી ઉપરના માળે સુવા માટે જતાં રહેલ હતાં. બીજા દિવસે સવારના સાતેક વાગ્યે તેમની પત્નિ નીચે ગયેલી અને તેણે જોયુ તો ઘરનો દરવાજો ખૂલો અને નકુચો તૂટેલ હતો.
તેમની પત્નિએ અવાજ કરી નીચે બોલાવતાં તેઓ દોડી આવેલ અને જોયુ તો ઘરના નીચેના રૂમમાં રાખેલ તિજોરી (લોખંડનો કબાટ) ખૂલો હતો અને વસ્તુ વેર વિખેર થયેલી હતી. તેના ખાના પણ ખુલા હતાં કબાટના ખાનામાં જોયુ તો તેમાં રાખેલ સોનાનો ચેઇન રૂ.૪૦ હજાર, ચાંદીની લકી રૂ. ૩ હજાર, સોનાની વીંટી નંગ -૪, ચાંદીના છડા (ઝાંઝરી)જોડી -૨, સોનાની બુટી અને રોકડા રૂપીયા ૨૫૦૦૦ મળી કુલ રૂ.૧.૨૬ લાખનો મુદામાલ ગાયબ હતો.
જેથી કોઈ અજાણ્યાં તસ્કરો ઘરમાં ઘુસી કબાટમાંથી રૂ.૧.૨૬ લાખના દાગીના અને રોકડની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિ. પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો પણ ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગી ગઈ હતી.