કચરો ઉપાડી લેવાનું કહેતા જ પાડોશમાં રહેતી મહિલાએ ઝગડો કર્યો : સમજાવવા જતાં ચાર શખ્સો તૂટી પડ્યા
Rajkot,તા.08
શહેરના આંબેડકરનગરમાં કચરો ફેંકવા મામલે પાડોશીઓ બાખડ્યા હતા. કચરો ઉપાડી લેવાનું કહેતા પાડોશમાં રહેતી એક મહિલા સહીત ચાર શખ્સોએ લોખંડના એન્ગલ વડે દંપતીને માર મારતા માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર-12 માં રહેતી 35 વર્ષીય પરિણીતા લીનાબેન બલદેવભાઈ ચાવડાએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જમનાબેન, ગૌતમ, ધર્મેન્દ્ર અને ગૌતમના ભાઈનું નામ આપતાં જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા જમનાબેન કચરો વાળતા હોય મે તેમને તમારો કચરો કચરાપેટીમાં નાખી દો, વરસાદના કારણે મારા ઘર પાસે આવે છે તેમ કહ્યું હતું.
દરમિયાન મારા પતિ જમનાબેનના ધર્મના ભાઈ ભવાનભાઈને સમજાવતા હતા ત્યારે જમનાબેનના દિયર કે જેનું નામ મને આવડતું નથી તે પાછળથી એક લોખંડનું એંગલ લઈ આવી મારા પતિને ખંભાના ભાગે મારી દીધેલ હતું. જેથી મારા પતિ નીચે પડી જતા જમનાબેન તથા તેના પતિ ગૌતમ મકવાણા ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા. હું મારા પતિને છોડાવવા જતા પાડોશી દંપતીએ મને પણ ઢીંકાપાટુની માર માર્યો હતો. બાદ ધર્મેન્દ્રભાઈએ લોખંડનો એંગલ લઈ આવી મને માથાના તથા મોઢાના ભાગે, હાથ-પગના ભાગે મારી દીધેલ હતો અને બાદમાં ચારેય નાસી ગયેલ હતા. જે બાદ બંને દંપતી રિક્ષામાં બેસી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા અને હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતાં માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.