ઝડપાયેલ પત્રકાર હિતેશ દાવડા અઢી માસથી પોતાના ઘરે જ બોગસ ચલણી નોટ છાપતો
યુટ્યુબમાંથી વિડીયો જોઈ બોગસ નોટ બનાવતા શીખ્યો’તો
Rajkot,તા.03
શહેરના મહાત્મા ગાંધી મ્યુઝિયમના કમ્પાઉન્ડમાં આવેલ ચરખા રેસ્ટોરેન્ટ નજીકથી પોરબંદરનો પત્રકાર હિતેશ દાવડા રૂ. 100 ના દરની 17 બનાવટી ચલણી નોટ સાથે એસઓજીના હાથે દબોચાયો હતો. જે પ્રકરણની તપાસ છેક પોરબંદર સુધી લંબાવવામાં આવી હતી. એસઓજી ટીમે પોરબંદર ખાતેથી બનાવટી નોટ છાપવાના સ્કેનર, કલર પ્રિન્ટર સહિતના સાધનો કબ્જે કર્યા છે. મહાત્મા ગાંધી મ્યુઝીયમ કમ્પાઉન્ડમાં આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસે દરોડો પાડી હિતેષ કનુ દાવડા (ઉ.વ.૬૧, ધંધો-પત્રકાર, રહે, વાડી પ્લોટ શેરી નં.પ ઉકાભાઇની ઘંટી વાળી શેરી પોરબંદર) પાસેથી રૂપિયા ૧૦૦ ના દરની ૧૭ બનાવટી ચલણી નોટ કબ્જે કરી હતી. બાદમાં બનાવટી ચલણી નોટ સાથે પકડાયેલ હિતેષ દાવડા પોતે પત્રકાર હોવાનું અને પોરબંદરમાં ન્યુઝ પેપર એજન્સી ધરાવતો હોવાનું સપાટી પર આવ્યું હતું. ઉપરાંત પોતે રાણાવાવના વિજય નામના શખ્સ પાસેથી રૂપિયા 5,000 ની બનાવટી ચલણી નોટો મેળવી હતી જેની સામે તેણે વિજય નામના શખ્સને રૂપિયા 2500 ચૂકવ્યા હતા. રાજકોટ આવ્યો હતો અને અહીં તેને અલગ અલગ હોટલો, પાન બીડીની દુકાનો તેમજ રીક્ષા ચાલકોને બનાવટી ચલણી નોટો પધરાવી દિધી હતી.
મામલામાં એસઓજી ટીમે હિતેશ દાવડાના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી. પત્રકાર મૂળ પોરબંદરનો રહેવાસી હોય એસઓજીની ટીમ પોરબંદર ખાતે દોડી ગઈ હતી. જ્યા પત્રકારના ઘરેથી જ બનાવટી ચલણી નોટ છાપવાના સાધનો જેવા કે, કલર પ્રિન્ટર, સ્કેનર, કટીંગ મશીન, નોટ છાપવા ડાય તરીકે ઉપયોગમાં લેવાયેલી ઓરીજનલ ચલણી નોટો સહીતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બોગસ ચલણી નોટો રીક્ષા ચાલકો, પાન-બીડીના દુકાને વટાવી નાખતો હતો. વધુમાં આરોપીએ અગાઉ પોતે બનાવટી ચલણી નોટ રાણાવાવના વિજય નામના શખ્સ પાસેથી લાવ્યાની કેફીયત જૂઠી હતી. પોતાના વિરુદ્ધ બનાવટી ચલણી નોટ છાપવાનો અન્ય ગુનો નોંધાશે તેવા ડરથી હિતેશ દાવડાએ વિજય નામના શખ્સનું નામ આપી પોલીસને ગુમરાહ કરવા કોશિશ કરી હતી પણ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં હિતેશ દાવડાના જુઠાણાનો ભાંડાફોડ થઈ ગયો હતો. યુટ્યુબમાંથી વિડીયો જોઈ પોતે બોગસ ચલણી નોટ બનાવતા શીખ્યો હતો.