સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી હવશનો શિકાર બનાવવામાં સેશન્સ કોર્ટે આરોપીને આજીવન સજા ફટકારતી
Rajkot,તા.૧૭
રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સ્પેશિયલ પોકસો કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા રદ કરવાની અપીલના કામે હાઇકોર્ટ દ્વારા આરોપી જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ, ૨૦૨૨ની સાલમાં રાજકોટ શહેરમાં શીતલ પાર્ક પાસે આવેલ આર.કે. વર્લ્ડ ટાવર બિલ્ડિંગમાં મજુરી કામ કરતા અને ત્યાં જ ઝુંપડામાં રહેતા પરિવારના ફરિયાદીની ૧૧ વર્ષ અને ૫ માસની સગીર વયની બહેનને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગોંડલ મુકામે લઈ જઇ ભાડે રાખેલ રૂમમાં અવાર નવાર શરીર સબંધ બાંધેલ અને ભોગ બનનારને ૩ માસનું ગર્ભ રાખી દીધા અંગેના કેસમાં સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપી અલ્પેશ જયંતિભાઈ પાતરને આજીવન કેદની સજા ફટકારી હતી. અદાલતના આજીવન કેદની સજાના આ હુકમ સામે આરોપી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતા આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ-૯ સાહેદોને તપાસવામાં આવેલ તેમજ ૨૬-ડોક્યુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ, આ કામમાં અતિ મહત્વના ગણાતા સાહેદ એટલે કે ભોગ બનનારની કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીકતથી ફરી જતા હોસ્ટાઈલ જાહેર થયેલ તેમજ ફરીયાદીએ પણ બનાવને સમર્થનકારી જુબાની આપેલ નહીં અને આ બન્ને મહત્વના સાહેદો હોસ્ટાઈલ જાહેર થયેલ હોવા છતાં પોકસો અદાલતે કાયદાની જોગવાઈઓથી વિરૂધ્ધ જઈ અને પુરાવાના અવલોકન કરવામાં ગંભીર પ્રકારની ભુલ કરેલ હોય અને આ સજાનો હુકમ કાયદાની આંખમાં ટકવાપાત્ર ન હોય તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કરી આરોપી સામે પોકસોના ગુન્હામાં થયેલ આજીવન કેદની સજાનો હુકમ સસ્પેન્ડ કરી તાત્કાલીક અસરથી આરોપીને અપીલ ચાલતા દરમ્યાન જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયા હતા.