પિતાએ અભ્યાસ છોડવાનું કહી દેતાં પુત્રીએ ૧૮૧ની મદદ માગી, અભયમે પિતાની વેદના સાંભળી પુત્રીને સરકારી સ્કૂલમાં ભણાવવાની સલાહ આપી
Rajkot,તા.01
ગુજરાતમાં શિક્ષણ એટલું મોંઘુ થઇ ગયું છે કે ગરીબ કે મધ્યમવર્ગના વાલીઓ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે. સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત અત્યંત કંગાળ હોવાથી પોષાતુ ન હોવા છતાં વાલીઓને નાછૂટકે પેટે પાટા બાંધી ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોકલવા પડે છે. આ સ્થિતિ વચ્ચે રાજકોટમાં બહાર આવેલો કિસ્સો ચોંકાવનારો છે.
મજૂરી કરતાં પિતાએ ધો. ૧૧માં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીના ભણતરનો ખર્ચો નહીં ઉપાડી શકાતો હોવાથી તેને અભ્યાસ છોડવાનું કહી દીધું હતું. પરંતુ દીકરીને કોઇપણ ભોગે આગળ અભ્યાસ કરવો હોવાથી તેણે અભયમની મદદ માંગી હતી. જેને કારણે અભયમના કાઉન્સિલેર શીતલબેન સરવૈયા દીકરીને મળ્યા હતાં. જેણે રડતા-રડતા કહ્યું કે તેના પિતા આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હવે આગળ અભ્યાસ કરાવવાની ના પાડે છે. જ્યારે વાસ્તવમાં તેને તો ભણી-ગણીને પોતાના સપના પૂરા કરવા છે.
અભયમની ટીમે દીકરીના પિતાને પૂછતા તેણે કહ્યું કે તે મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મજૂરી પણ કાયમ મળતી નથી. જેને કારણે બાળકોના અભ્યાસના ખર્ચા પૂરા કરી શકે તેમ નથી. પરિવારનું ગુજરાન તેમને ચલાવવાનું છે. બધા સંતાનોને કોઇપણ ભોગે અભ્યાસ કરાવી શકે તેમ નથી. આ જ કારણથી મોટી દીકરીને આગળ અભ્યાસ કરવાની ના પાડી છે.
અભયમની ટીમે તેમને આજના યુગમાં અભ્યાસનું કેટલુ મહત્વ છે તે સમજાવી કહ્યું કે જો તમે તમારા બાળકો પણ તમારા જેવું જીવન ન જીવે તેવું ઇચ્છતા હો તો તેમને આગળ અભ્યાસ કરાવવો જરૂરી છે. આ સ્થિતિમાં તેમની પુત્રીને સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનું કહ્યું હતું. અભયમની ટીમ આ સિવાય આ કિસ્સામાં વધુ કાંઇ કરી શકે તેમ ન હોવાથી જે વિકલ્પો હતા તે વિશે માહિતી આપી હતી. જો કે દીકરીએ કહ્યુ કે તેની બધી બહેનપણી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાથી તે પણ ત્યાં જ અભ્યાસ કરવા માગે છે. હવે અભયમની ટીમે સરકારી શાળામાં દીકરીનું એડમિશન કરાવવા માટેના પ્રયાસો શરૂ કર્યાં છે.

