જિલ્લાને ૪૮૦૦ કરોડના વિકાસના કાર્યોની ભેટ આપી
Amreli, તા.૨૮
જિલ્લામાં આજે વડાપ્રધાન મોદી દ્વારા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ લાઠીમાં તેમની જાહેરસભા પણ યોજાઈ હતી જ્યાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. અમરેલીમાં આજે તેમણે ૪૮૦૦ કરોડના વિકાસના કાર્યોની ભેટ આપી હતી. ભારતમાતા સરોવરના પાણીથી હવે ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની ઘણી રાહત મળી રહેશે.
દુધાળા ગામે પીએમ મોદીએ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું ત્યાર બાદ તેમણે તેમના સંબોધનમાં ઘણી મહત્વની વાતો કરી હતી.
પીએમ મોદીએ સરોવરનું લોકાર્પણ કર્યા બાદ કહ્યું કે દિવાળી દરવાજે ટકોરા મારી રહી છે જેથી આ સમય મંગળ કાર્યોનો છે. સાથે જ તેમણે કહ્યું કે આ બધા પ્રોજેક્ટ વિકાસની ગતિ આપનારા પ્રોજેક્ટ છે. ઉપરાંત તેમણે અમરેલીની ભૂમિને લઈને જણાવ્યું કે અમરેલી એ ભૂમિ છે કે જેણે યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે. લાલા અને જીવરાજ મહેતા આપ્યા છે.
વધુમાં પીએમ મોદીએ એવું પણ કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારથી આપણે પાણીને પ્રાથમિકતા આપી છે. સૌની યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સૌની યોજનાએ કચ્છ સૌરાષ્ટ્રને નવું જીવન આપ્યું. વડાપ્રધાન મોદીએ ૧૮ થી ૨૦ વર્ષના યુવાનોનો ઉલ્લેખ કરીને કહ્યું તે લોકોને ખબર પણ નહીં હોય કે પહેલા પાણી વગર આપણે કેવી રીતે તરસતા હતા. તેમને ભૂતકાળની સમસ્યા ખબર નહીં હોય.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ’એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજુ વિકાસનો ઉત્સવ અને આજ ભારતની એક નવી તાસીર છે. આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે. રાજકોટ,મોરબી,જામનગર આ એવો ત્રિકોણ છે, કે જે ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની નામના થાય એવી તાકાત ધરાવે છે, આ મિની જાપાન થવાની તાકાત ધરાવે છે.’
આ દરમિયાન તેમણે નર્મદાની વાત કરતા કહ્યું હતું કે ‘એક સમય હતો, નર્મદાની પરિક્રમા જઈએ ને તો પૂણ્ય મળે, યુગ બદલાયો માતા નર્મદા ખુદ પરિક્રમા કરીને ગામડે ગામડે પહોંચીને પુણ્ય વહેંચી રહી છે, પાણી પણ વહેંચી રહી છે. આજે નર્મદાનું પાણી જ્યાં જ્યાં પહોંચ્યું છે ત્યાં ત્રણ-ત્રણ પાક લેવાઈ રહ્યા છે, જે ખેડૂતને એક પાક લેવાના સાસા પડતા હતા આજે તે ત્રણ-ત્રણ પાક લેતો થયો છે.’
ઉલ્લેખનીય છે કે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી એવું પણ બોલ્યા કે આઝાદીના ૭૫ વર્ષ થયા ત્યારે સરકાર બીજા બધા કાર્યક્રમો પણ કરી શકતી પણ અમારી સરકારે ગામડે ગામડે અમૃત સરોવર બનાવવાની યોજના બનાવી હતી. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે ગુજરાતના ૨ લાખ ઘરમાં હાલ સોલાર પેનલ લાગી ગઈ છે અને વિજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ સાથે જ તેમણે વિકાસના કામોની અન્ય પણ ઘણી બધી વાતો કરી હતી.