Surendranagar,તા.17
Surendranagarશહેરના વઢવાણમાં ગ્રામ્યમાં રહેતા પરિવારની 16 વર્ષીય દિકરીને ગત 23 જુલાઈના રોજ રાજકોટમાં રહેતા માતા-પુત્ર ભગાડીને લઈ ગયા હતા. આ અંગેની જાણ થતા સગીરાના પિતા સહિતનાઓ રાજકોટ જતા તારી દીકરીને પાછી આપવાની નથી, તારે જયાં દોડવુ હોય ત્યાં દોડી લેજે તેવી ધમકી આપી હતી. આ અંગે પિતાએ વઢવાણ પોલીસ મથકે રાજકોટના માતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
વઢવાણ ગ્રામ્યમાં રહેતો એક પરિવાર ખાટલાના પાયા અને પ્લાસ્ટીકના ડટ્ટા વેચવાનું મજુરી કામ કરે છે. તેમને હાલ 16 વર્ષીય સગીર દિકરી છે. આ દિકરી નાની હતી ત્યારે તેની સગાઈ રાજકોટના એક પરિવાર સાથે થઈ હતી. તા. 23-7-25ના રોજ સગીર દિકરી ઘરે ન મળી આવતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી.
જેમાં તેને રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ મફતીયાપરામાં રહેતા ચકુબેન કાંતીભાઈ અને તેનો દિકરો હિતેશ ભગાડીને લઈ ગયાની જાણ થઈ હતી. આથી જયાં દિકરીની સગાઈ કરી હતી તેઓને સાથે લઈ સગીરાના પિતા ચકુબેન પાસે ગયા હતા.
જયાં દિકરી મળી આવી ન હતી. આથી સગીરાના પિતાએ દિકરી પાછી આપવાની વાત કરતા ચકુબેને મારા દિકરા હિતેશ સાથે તારી દિકરીના લગ્ન કરવાની કેમ ના પાડેશ, તારી દિકરીને પાછી આપવાની નથી, તારે જયાં દોડવુ હોય ત્યાં દોડી લેજે, તું અમોને ઓળખતો નથી, તને પાછો નહી જવા દઉ તેવી ધમકી આપી હતી. બાદમાં પિતાએ જુનાગઢ, ભેંસણા, બગદાણા, ઉંચા કોટડા, ચોટીલા, દ્વારકા સહિતના સ્થળે સગીરાની તપાસ કરી હતી. પરંતુ અંતે સગીર પુત્રી ન મળી
આવતા પિતાએ વઢવાણ પોલીસ મથકે પોકસોની કલમો સાથે રાજકોટના ચકુબેન અને તેના પુત્ર હીતેશ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ વાય.પી.પટેલ ચલાવી રહ્યા છે.