Rajkot,તા.21
લોકોએ ભરેલા વિવિધ પ્રકારના વેરાથી ચાલતી ગુજરાતની રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ સહિતની આઠ મહાનગરપાલિકાના રૂા.2 લાખ કરોડના જે બજેટ છે તેનુ વર્ષોથી `કેગ’નું ઓડિટ થયું જ નથી અને ખુદ વિધાનસભાએ તે ફરજીયાત બનાવ્યા પછી રાજય સરકાર કે વિધાનસભાના સભ્યો પણ તે ચિંતા કરતા નથી.
હાલમાંજ માહિતીના અધિકાર હેઠળ થયેલી એક અરજીમાં આ ઘટસ્ફોટ થયો છે. આમ `કેગ’ના ઓડિટની જે વૈધાનિક જવાબદારી છે તેનું પણ પાલન થતુ નથી. રસપ્રદ બાબત એ છે કે `કેગ’ દ્વારા આ અંગે અનેક વખત સરકારનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે છતાં પણ તે ચિંતા થઈ નથી. લોકોના ટેક્ષના નાણાથી ચાલતા વહીવટમાં કેવું ધુપ્પલ ચાલે છે તેનો આ નમુનો છે.
આ પ્રકારના કેગ ઓડીટ નિયમિત થવું જોઈએ અને તેનો રિપોર્ટ વિધાનસભા સમક્ષ મુકાવો જોઈએ જેથી આ મહાનગરપાલિકાઓના નાણાકીય વહીવટમાં ખોટા ખર્ચ કે વધુ પડતા ખર્ચ હોય કે પછી ભ્રષ્ટાચાર થયો હોય તે બધું ખુલ્લુ પડે છે પણ સૌથી મોટો મુદો એ છે કે રાજય સરકારનું ખુદ જે કેગ ઓડીટ થાય છે તે વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિને અંતિમ કલાકમાં રજૂ કરવાની ઔપચારીકતા પુરી થાય છે અને પછી તેમાં જે મુદાઓ `કેગ’ દ્વારા ઉભા કરાયા હોય તે ભુલી જવાય છે.
માહિતીના અધિકાર હેઠળ મેળવવામાં આવેલી માહિતી પરથી જાહેર થયું છે કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, સુરત, વડોદરા આ તમામ આઠમાં એક પણ મહાપાલિકાએ `કેગ’ના ઓડિટની ચિંતા કરી નથી.
જે માહિતી જાહેર થઈ છે તે મુજબ અમદાવાદ-સુરતમાં છેલ્લે 2017-18ના ઓડીટ થયા નથી. ગાંધીનગરમાં છેલ્લે 20/21ના વર્ષમાં ઓડીટ થયા હતા. રાજકોટ મહાપાલિકામાં 2018-19થી ઓડીટ થયું નથી. જામનગર-ભાવનગરમાં છેલ્લે 2019-20માં ઓડીટ થયા હતા અને જૂનાગઢમાં 2020-21 અને વડોદરામાં 2017-18માં `કેગ’એ ઓડીટ કર્યુ હતું.
વાસ્તવમાં આ તમામ મહાપાલિકાઓ તેના નાગરિકોના ટેક્ષ ઉપરાંત રાજયના નાગરિકોના ટેક્ષમાંથી ગ્રાન્ટ, લોન વિ. મેળવે છે. જેમાં ગુજરાત લોકલ ફંડ એકટ 1963 મુજબ આ મહાનગરપાલિકાઓના ઓડીટ ફરજીયાત છે અને તે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડીયા (કેગ) મારફત થવા જોઈએ અને ખુદ વિધાનસભા એ કરેલી જોગવાઈનો ભંગ થાય છે.
સરકારે તેના નાણા વિભાગના 2005ના પરિપત્રમાં જે 2011માં ફરી ઈસ્યુ થયો હતો. જેમાં આ પ્રક્રિયાને કાનુની ફરજીયાત બનાવી છે અને ખુદ ગુજરાત કેગ એ પણ સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. આથી રૂા.2 લાખ કરોડથી વધુના `વહીવટ’નું કોઈ ઓડીટ થતું નથી. વિધાનસભા પણ તેની ફરજમાં ચિંતા કરતી નથી..

