કોમ્પ્યુટર સોફ્ટવેરમાં ગોલમાલ કરી દવાના ખરીદ વેચાણમાં અને રજિસ્ટરમાં પુર્વ કર્મચારી સામે લાખોના કૌભાંડનો ગુનો નોંધાયો હતો
Rajkot,તા.11
રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલની હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના કોમ્પ્યુટર સોફ્ટવેરમાં ગોલમાલ કરી દવાના ખરીદ વેચાણમાં તથા રજિસ્ટરમાં રૂપિયા 37 લાખની ઉચાપત અંગેના 16 મહિના પહેલાના કેસમાંથી આરોપી યશેષ રાજેશભાઈ શેઠની ડિસ્ચાર્જ અરજી અદાલતે મંજૂર કરી આરોપીને બીનતહોમત છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, શહેરના વિદ્યાનગર મેઈન રોડ ઉપર આવેલ ઓલમ્પસ હોસ્પિટલ કે જે તન્ના હેલ્થ કેર પ્રાઈવેટ લિમિટેડના માલિક ડો. મીહીરભાઈ તન્નાએ ઉપરોક્ત રૂપિયા ૩૭ લાખની ઉચાપત બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. ૧૯/ ૦૪/ ૨૦૨૪ના રોજ તેમની હોસ્પીટલના ભુતપુર્વ કર્મચારી (ફાર્માસીસ્ટ) આરોપી યશેષ રાજેશભાઈ શેઠ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી, ત્યારબાદ ટ્રાયલ કોર્ટ દ્વારા તેઓને જામીન મુકત કરવામાં આવેલ હતા. તપાસના અંતે પોલીસે આરોપી વિરૂધ્ધ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ૨જુ કરી દીધા દરમિયાન આરોપી યશેષ શેઠ તરફે વકીલ અંશ ભારદ્વાજ દ્વારા ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૨૩૯ મુજબ ડિસ્ચાર્જ કરવા અંગે અરજી કરવામાં આવી હતી. વધુમાં એવી દલીલ કરવામાં આવેલ હતી કે કહેવાતા યુઝર આઈ.ડી. પાસવર્ડ ડો. મીહીર તન્ના તથા મજકુર આરોપી યશેષ શેઠ પાસે હોવાનું જણાવાયું છે, ત્યારે એક જ યુઝર આઈ.ડી. અને પાસવર્ડ એક કરતા વધુ વ્યકિત પાસે હોય ત્યારે કહેવાતી ઉચાપત મજકુર આરોપીએ કરેલ હોય તેવા અનુમાન અને અટકળોને આધારીત પોલીસનો કેસ હોય જેથી ચાર્જફ્રેમ થઈ શકે તેવો લેશમાત્ર પુરાવો પણ અદાલતના રેકર્ડ પર રજુ થયેલ નથી, આ મતલબની જુદી જુદી અનેક દલીલો ઉચ્ચ અદાલતોના રજૂ કરેલા ચુકાદા ધ્યાને લઇ ટ્રાયલ કોર્ટે પોતાના હુકમમાં જણાવેલ હતું કે, ફરીયાદી તથા આરોપી પાસે દવાનાં સ્ટોકનો યુઝર આઈ.ડી., પાસવર્ડ હતા જેથી જ્યારે જ્યારે તેમાં લોગઈન થાય ત્યારે ત્યારે ફરીયાદીને તેની જાણ ન થાય તેવું માની શકાય નહીં. તેથી અચાનક જ આરોપીએ રૂા.૩૭ લાખની ઉચાપત કે છેતરપિંડી કરી હોવાનું પ્રથમદર્શનીય રીતે પણ માની શકાય તેમ નથી અને આક્ષેપિત છેતરપિંડીની તા. ૨૬/ ૦૩/ ૨૦૨૪ કે તે પહેલા કેમ કોઈ ફરીયાદ કરેલ નહિ હોવા સહિતના અવલોકનો કર્યા બાદ કોર્ટે આરોપી યશેષભાઈ શેઠને ફોજદારી કાર્યસંહિતાની કલમ-૨૩૯ મુજબ ગુનામાંથી ડિસ્ચાર્જ કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવોકેટસ અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ પ૨મા૨, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ વિગેરેનો સમાવેશ થાય છે.