Rajkot, તા. 6
150 ફુટ રોડથી શીતલ પાર્ક મેઇન રોડ પર જતા 9 મીટરના રસ્તાને 12 મીટર પહોળો કરવા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કાર્યવાહી બાદ નિયમ મુજબ અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર આપવા અંગેની દરખાસ્ત આજે મનપાની સ્ટે.કમીટીએ ત્રીજી વખત પેન્ડીંગ રાખી દીધી છે.
આ કપાતગ્રસ્તો અને વિકલ્પના લાભાર્થીઓમાં ખુદ ભાજપ કાર્યાલય છે. તો રાજકોટ મનપા, શહેર ભાજપના પદાધિકારીઓ અને નેતાઓને અવારનવાર જાહેરમાં ઝાટકતા અને ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કરતા સાંસદ રામભાઇ મોકરીયાની જમીન પણ કપાતમાં હોય તેઓને પણ વળતર માટે લાંબી રાહ જોવાનો વખત આવ્યો છે.
સ્ટે.કમીટીની છેલ્લી બે મીટીંગથી આ દરખાસ્ત અંગે નિર્ણય થઇ શકતો નથી. આજે આ બેઠકમાં કોઇ નિર્ણય થાય તેવી શકયતા હતી. રાજકોટ આખરી નગર રચના યોજના નં. 9માં સામેલ આખરી ખંડ નં. 32/9 તથા 31/5થી શરૂ કરી આખરી ખંડ નં.32/1/1 તથા 32/1 સુધીના 9 મીટરના ટીપી રોડને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત 12 મીટર પહોળો કરવા કપાતની કાર્યવાહી કરવામાં આવી હતી.
મનપામાં રહેલા નિયમો મુજબ કોઇ પણ રોડ જાહેર હિતમાં પહોળો કરવામાં આવે અને ખાનગી મિલ્કતો કે જમીન કાપવામાં આવે તો અસરગ્રસ્તોની સંમતિ લઇને વળતરના વિકલ્પો આપવામાં આવે છે.
150 ફુટ રોડ ગોંડલ રોડથી જામનગર રોડને જોડતો મુખ્ય રોડ હોવાથી ટ્રાફિકની ખુબ અવરજવર રહે છે. આથી શીતલ પાર્ક મેઇન રોડથી શરૂ થતા 9 મીટરના ટીપી રોડ કે જે હાલ 18 ટકા 15 મીટરના રોડને જોડતો એક માત્ર માર્ગ છે. જેથી આ 9 મીટરનો રોડ 1ર મીટર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ રસ્તો કાપવા માટે લાઇન દોરી મંજૂર કરવામાં આવી છે. જેમાં કપાતમાં આવતા જમીન અને મિલ્કતના અસરગ્રસ્તોને વળતર આપવા કાર્યવાહી થઇ હતી. સામાન્ય રીતે રાબેતા મુજબ આવી દરખાસ્તો મંજૂર થઇ જતી હોય છે. પરંતુ આ કેસમાં ત્રણ-ત્રણ વખત દરખાસ્તો પેન્ડીંગ રહેતા ભાજપમાં જ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલે છે.
સમિતિમાં ભાજપના પદાધિકારીઓએ આજે વધુ અભ્યાસ માટે આ દરખાસ્ત મુલત્વી રાખવા મત વ્યકત કરતા ચેરમેન જયમીન ઠાકરે દરખાસ્ત મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. હવે આ અંગેનો નિર્ણય આવતી સ્ટે. કમીટી સુધી લંબાઇ ગયો છે. માર્જીન, પાર્કિંગ અને એફએસઆઇનો વિકલ્પ માંગનારા આસામીઓમાં ભગવાનજીભાઇ તળાવીયા, સ્થાપન રીયાલીટી, આ જ રોડ પર આવેલ ભાજપ કાર્યાલય, ભારતીબેન હિરપરા અને નિર્મલાબેન પીપળીયાનો સમાવેશ થાય છે.
જેઓએ જમીનના બદલામાં જમીન માંગી છે. જેમાં જેન્તીભાઇ સગરીયા, સાંસદ રામભાઇ મોકરીયા, કલેકટર સામેલ છે. ભાજપમાં ચાલતા કેટલાક મતભેદ અને રામભાઇ મોકરીયાએ છેલ્લા થોડા સમયમાં પાર્ટીમાં જ જાહેરમાં બોલાવેલી તડાફડી તથા જવાબદારોને ઝાટકવાની કરેલી શરૂઆત પણ આ દરખાસ્ત પેન્ડીંગ રહેવાના એક કારણમાં જવાબદાર હોવાની ચર્ચા છે.
જમીન કપાતના અસરગ્રસ્તો
– ભગવાનજીભાઇ શામજીભાઇ તળાવીયા
– મે.સ્થાપન રીયાલીટીના પ્રફુલભાઇ ગંગદેવ
– ભાજપ કાર્યાલય વતી સુરેન્દ્રભાઇ પટેલ
– ભારતીબેન પ્રાણજીવનભાઇ હિરપરા
– નિર્મલાબેન ભરતભાઇ પીપળીયા
– જેન્તીભાઇ મનજીભાઇ સગપરીયા
– રાજકોટ જિલ્લા કલેકટર
– સાંસદ રામભાઇ હરજીભાઇ મોકરીયા