Rajkot, તા. 17
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 અંતર્ગત રાજકોટ શહેરને સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ અને સમગ્ર ભારતના 4589+ શહેરોમાંથી 19મો રેન્ક આપવામાં આવ્યો છે. ગત વર્ષના 37માં ક્રમ કરતા રાજકોટે 18 ક્રમનો જમ્પ માર્યો છે.
રાજકોટ શહેરને 3 સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી તથા વોટર પ્લસ સીટી સર્ટીફીકેટ મેળવેલ છે. સીટીઝન ફીડબેકમાં સમગ્ર દેશમાં રાજકોટને ચોથો ક્રમ પ્રાપ્ત થયેલ છે, તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકર, કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશ જલુએ જણાવ્યું હતું.
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરને કુલ 12500 માર્ક્સમાંથી 10634 માર્ક્સ મેળવેલ છે જેમાં સર્વેક્ષણની કેટેગરી હેઠળ 10000 માંથી 8634 માર્ક્સ તથા સર્ટીફીકેશનની કેટેગરી હેઠળ 2500માંથી 2000 માર્ક્સ મળ્યા છે.
સ્વચ્છ સર્વેક્ષ્ાણની શરૂઆત વર્ષ 2016થી થયેલ હતી ત્યારે ભારતના કુલ 73 શહેરોએ ભાગ લીધો હતો. વર્ષ 2024 -2025ના સ્વચ્છ સર્વેક્ષ્ણની થીમ રિયુઝ, રીડ્યુઝ, રીસાયકલ હતી સ્વચ્છ સર્વેક્ષણ -2024 -2025 એપ્રિલ 2024 થી એપ્રિલ -2025 સુધી ચાર તબક્કામાં યોજવામાં આવેલ.
જે અંતર્ગત પ્રથમ તથા બીજા તબક્કામાં શહેરોના નાગરિકો પાસેથી સફાઈ અંગેના ફીડબેક લેવાયા હતા. ત્રણ તબક્કામાં બલ્ક વેસ્ટ જનરેટર દ્વારા પોતાના કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરવાનું થતું હતું. ચાર તબક્કામાં ઓન ગ્રાઉન્ડ વેરીફીકેશન કરાયું હતું.
સીટી રીપોર્ટ કાર્ડ મુજબ રહેણાંક વિસ્તારની સફાઈમાં 100% વોટર બોડીઝની સફાઈમાં 100 % વેસ્ટ જનરેશન એન્ડ પ્રોસેસિંગમાં 100 % ડમ્પસાઈટ રેમીડીએશનમાં 100%, માર્કેટ એરિયામાં સફાઈમાં 97 %, ડોર ટુ ડોર કલેક્શન 95%, જાહેર શૌચાલયની સફાઈ માં 90% સોર્સ સેગ્રીગેશન 78% પ્રાપ્ત થયેલ છે.
2023માં રાજકોટ મહાનગરપાલિકાનો 37મો રેન્ક હતો, જેમાંથી ચાલુ વર્ષમાં 19મો રેન્ક પ્રાપ્ત થયેલ છે. જે માટે મહાનગરપાલિકાએ વિવિધ પરિબળોમાં મુખ્ય કામગીરી કરેલ છે.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમને વધુ સુદ્રઢ, ડીજીટલ મોનીટરીંગ, કચરાના વર્ગીકરણ, બાંધકામ વેસ્ટના પ્લાન્ટ, લોકો ઘરે જ વેસ્ટ ટુ કમ્પોસ્ટની તાલીમ, સફાઇ અંગે સીટીઝન ફીડબેક, ત્રણે ઝોનની લાયબ્રેરીમાં આરઆરઆર સેન્ટર સેટઅપ બનાવાયા હતા.
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ ત્રીજા ક્રમે અને સીટીઝન ફીડબેકમાં સમગ્ર દેશમાં રાજકોટ ચોથા ક્રમે આવવા બદલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા સહીત તમામ અધિકારીઓ-કર્મચારીઓને અને શહેરીજનોને પદાધિકારીઓ તથા કમિશ્નરે અભિનંદન આપ્યા છે.