Rajkot, તા.6
દિવાળીનો મહાપર્વ ધર્મોલ્લાસ સાથે સંપન્ન થયો. આજે પાંચમના દિવસથી લોકોએ દુકાનો-ઓફિસ ખોલી કામની શરૂઆત કરી હતી. સવારથી બજારો ધમધમી હતી. લોકોએ એક સપ્તાહની દિવાળીની રજાનો ભરપુર આનંદ માણ્યો હતો અને દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવ્યો હતો.દિવાળી સૌ માટે ખાસ હોય છે. દિવાળીમાં ફટાકડા ફોડી નવા વર્ષને આવકારવામાં આવે છે.
પહેલાના સમયમાં દિવાળીના તહેવારો ઘરે જ ઉજવવામાં આવતા હતા. ઘરે ધનતેરસના લક્ષ્મીજીની પૂજા કરાય છે અને દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી ખૂબ ફટાકડા ફોડવામાં આવે છે. પરંતુ હવે સમય બદલાતા ઉજવણીનો ટ્રેન્ડ પણ બદલાયો છે.
દિવાળીનો તહેવાર શરૂ થતાં રજા પડતા જ લોકો હવે બહાર ફરવા નીકળી જાય છે. આ વર્ષે એક બીજાને શુભકામના આપવાનો રીવાજ છે પરંતુ લોકો હવે ફોન દ્વારા જ શુભકામના પાઠવી દે છે અને અન્ય શહેર કે અન્ય રાજ્યોમાં ફરવા નીકળી જાય છે. આ વર્ષે પણ રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ફરવા નીકળી ગયા હતા.
લોકોએ પાંચ દિવસનો દિવાળીનો પર્વ મનભરીને માણ્યો હતો. જેને પગલે રાજકોટથી રાજસ્થાન જતા હાઇવે પર લાંબો ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો. લોકો બે-બે કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. જેના કારણે લોકો અકળાયા હતા. રાજકોટના મોટાભાગના નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. 3 થી 4 કિ.મી. સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો.
રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના લોકો અન્ય રાજ્યોમાં વેકેશન માણવા પહોંચ્યા હતા. જેમાં રાજસ્થાન, ઉદયપુર, આબુ અંબાજી જેવા સ્થળોએ જવા ભારે ટ્રાફિક હતો. આ ઉપરાંત જૂનાગઢ, સાસણગીર, કચ્છ, માધવપુર બીચ, શિવરાજપુર બીચ ઉપર પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું.
ભાઇ બીજના દિવસે માધવપુર બીચ પર સ્નાનનું અનોખુ મહત્વ રહેલું છે. જેને પગલે માધવપુર બીચ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીનું વેકેશન લાંબુ હોવાથી બાળકોને રાહત મળે છે આથી લોકો પરિવાર સાથે ફરવા નીકળી પડે છે. પરંતુ ટ્રાફિકનો સામનો કરવો પડે, ત્યારે લોકો અકળાય છે. તેવી જ હાલત રાજકોટના હાઇવે પર જોવા મળી હતી.
રાજકોટ અંબાજી હાઇવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. લોકો આજથી કામકાજ શરૂ થઇ જતા હોવાથી ગઇકાલે વાપસી થતી હોવાથી ભારે ટ્રાફિક સર્જાયો હતો. અંબાજી હાઇવે પર વાહનોના થપ્પા લાગ્યા હતા. જેટલો સમય હરવા-ફરવામાં ગાળ્યો હતો તેનાથી વધુ ટ્રાફિકમાં વિતાવવો પડ્યો હતો. જેને કારણે લોકોને અકળામણનો સામનો કરવો પડ્યો હતો.
આ વખતે ઇન્ડસ્ટ્રીઝમાં મોટુ વેકેશન પડ્યું હતું. બુધવારથી બુધવાર સુધી એક સપ્તાહનું વેકેશન પડ્યા હતા. જેને પગલે જુનાગઢ, સાસણગીર, કચ્છ બાજુ પણ ટ્રાફિક જોવા મળ્યો હતો. આથી હાઇવે પરના ધાબા-હોટલો પણ ફૂલ થયા હતા.
વિમાનને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓની આંશિક અસર: હાઇવે બન્યા ચિક્કાર
છેલ્લા ઘણ સમયથી વિવિધ એર પોર્ટ, સ્કૂલ, રેસ્ટોરન્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે ત્યારે તહેવારના થોડા સમય પહેલા રાજકોટ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. જેને પગલે રાજકોટ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. દિવાળીના તહેવારમાં અન્ય રાજ્યોમાં જવાનો ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.
એરપોર્ટને મળતી ધમકીઓને પગલે લોકોએ બાયએર જવાનું મહદઅંશે ટાળ્યું હતું. જેને પગલે રોડ દ્વારા જવાનું લોકોએ વધુ પસંદ કર્યું હતું. આથી રોડ પર ટ્રાફિક વધ્યો હતો. એરપોર્ટમાં ધમકીના સમાચાર મળ્યા બાદ 2 થી 3 કલાક ચેકીંગ કરવામાં આવે છે.
આથી મુસાફરોને એરપોર્ટ પર રાહ જોવી પડે છે. ત્યારે લોકોએ સમય બચાવવા પ્રાઇવેટ વાહનોનું બુકીંગ કરાવી રોડ દ્વારા જવાનું પસંદ કર્યું હતું. આથી કહી શકાય કે એરપોર્ટની અસર પણ હાઇવે પર જોવા મળી હતી. રાજકોટના નેશનલ હાઇવે પર ચીક્કાર ભીડ જોવા મળી હતી ચાર થી પાંચ કિ.મી.નો ટ્રાફિક જામ હતો બે-બે કલાક લોકો ટ્રાફિકમાં ફસાયા હતાં.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં હવાઇ મુસાફરીનો ક્રેઝ વધ્યો
ગત ઓક્ટોબરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 90,258 મુસાફરોનું આગમન-પ્રસ્થાન નોંધાયું: એક માસમાં 328 ફ્લાઇટ ઉડી
દિવાળી તહેવારોની રજાઓમાં છેલ્લા 7 દિવસમાં 70 વિમાનમાં 10,445 આગમન, 11.655 મુસાફરોએ પ્રસ્થાન કર્યું
દિવાળી-નૂતન વર્ષના તહેવારોની રજાઓમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની હવાઇ સેવાનો લાભ લેતા ગત તા.30 ઓક્ટોબર થી તા.4 નવેમ્બર સુધીમાં 8707 પ્રવાસીઓનું આગમન અને 9976 પ્રવાસીઓએ પ્રસ્થાન કર્યું હતું.
જ્યારે ગત ઓક્ટોબર માસમાં 46,259 મુસાફરોનું આગમન અને 43,999 મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું. ઓક્ટોબર માસમાં 328 ફ્લાઇટ ઉડી હતી. જેનો હવાઇ મુસાફરોએ લાભ લીધો હતો.
ગત 7 દિવસ દરમિયાન મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, પૂના, ગોવા સહિતની ફ્લાઇટમાં ડેઇલી સરેરાશ 1400 થી 1700ને પાર પ્રવાસીઓએ હવાઇ સેવાનો લાભ લીધો હતો. છેલ્લા 7 દિવસમાં 70 ફ્લાઇટના ઉડ્ડયનમાં 10,445 મુસાફરોનું આગમન અને 11,655 મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું.
દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં દેશ-વિદેશના પ્રવાસે જતા રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓએ રાજકોટ ઇન્ટરનેશનલ હવાઇ સેવાનો લાભ લેતા એરપોર્ટ મુસાફરોના આગમન-પ્રસ્થાનથી ધમધમી ઉઠ્યું હતું. સવારના 8 થી રાત્રીના 8 કલાક સુધીમાં ડેઇલી 10 થી 12 ફ્લાઇટનું ઉડ્ડયન શરુ થયું હતું.
દિવાળી તહેવારોની રજાઓમાં મુંબઇ, દિલ્હી, ગોવા, બેંગ્લોર, હૈદરાબાદ, પુનાની ફ્લાઇટ ફુલ ઉડી હતી. ગત ઓક્ટોબર માસમાં કુલ 328 ફ્લાઇટમાં 90,258 મુસાફરોનું આગમન-પ્રસ્થાન નોંધાયું હતું. 22,100 મુસાફરોનું આગમન પ્રસ્થાન નોંધાયું હતું.