Rajkot, તા. 18
રાજકોટ સહિતના કોર્પોરેશનના શાસકો સાથે ગઇકાલે મુખ્યમંત્રીએ જરૂરી ચર્ચાઓ કરી હતી. ચૂંટણી વર્ષમાં ચાલી રહેલા કામો અને યોજનાઓ ગતિથી ચાલે તેના માટે પુરતુ સુપરવિઝન રાખવા ચૂંટાયેલા લોકોને સૂચના આપી હતી.
તો રાજકોટના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ રાજકોટના ગંભીર ટ્રાફિક પ્રશ્ને પણ ધ્યાન દોરીને સરકાર કક્ષાએથી આ સમસ્યા હળવી થાય તે માટે સૂચના આપવા રજુઆત કરી હતી.
ગઇકાલે રાજકોટથી મેયર નયનાબેન પેઢડીયા, ભાજપ પ્રમુખ માધવ દવે, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલીયા ગાંધીનગર ગયા હતા.
કોર્પો. કક્ષાએથી ટીપી સ્કીમ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવાની તૈયારી કરી હતી. ઘંટેશ્વરની ટીપી સ્કીમ, જકાત બદલાની ગ્રાન્ટ, પડતર ઠરાવો અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. નર્મદાના નીરમાં કોઇ ખલેલ ન પડે તેવી વ્યવસ્થા કરવા પણ કહ્યું હતું.
હાલ સામાન્ય ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે આથી ચાલી રહેલા વિકાસ કામો અને નવી યોજનાના કામ પર પુરેપુરૂ સુપરવિઝન રાખવા પદાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાડાના પ્રશ્ને સરકાર ગંભીર હોવાની વાત મુખ્યમંત્રીએ કરી હતી. સાથે જ રોડ-રસ્તાના કામો માટે સરકારનું સુપરવિઝન યથાવત રહેશે તેવું કહ્યું હતું.
રાજકોટમાં છેલ્લા વર્ષોમાં ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે. ટ્રાફિક પોલીસ આ માટે કામ કરી રહી છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ જરૂરી છે. લોકો ટ્રાફિકથી પરેશાન થયેલા છે.
આથી એન્જીનીયરીંગ અને એન્ફોર્સમેન્ટ કામગીરી વચ્ચે જરૂરી કાર્યવાહી નકકર કરવાનું ધ્યાન પદાધિકારીઓએ દોર્યુ છે. આ વ્યવસ્થા સુધારવા સરકાર કક્ષાએથી સુચના આપવી જોઇએ તેવી લાગણી પણ ચૂંટાયેલા લોકોએ મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી હતી.