Rajkot,તા.25
સૌરાષ્ટ્રમાં કાનૂની દ્રષ્ટિએ સુવિધા માટે હાઈકોર્ટની બેંચ રાજકોટને આપવા માટે હાલ ચાલુ થયેલી વાત વચ્ચે પુર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાએ અગાઉ બે વખત 2015 અને 2018માં સાંસદ દરજજે કેન્દ્રીય કાનૂન મંત્રાલયને પત્ર લખીને રાજકોટને હાઈકોર્ટે બેન્ચ મુદે કેન્દ્ર મુદ્દે કેન્દ્ર સરકારના વલણ અંગે માહિતી માંગી હતી.
શ્રી કુંડારીયાએ પ્રશ્ન પૂછયો હતો કે, શું કેન્દ્ર સરકાર રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા અંગે વિચારે છે, ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મોટી સંખ્યામાં કાનૂની કેસ હાઈકોર્ટ સુધી પહોંચે છે. જેમાં અરજદાર-ધારાશાસ્ત્રીઓ વિ.ને અમદાવાદ સુધી આ કાર્યવાહીમાં ભાગ લેવા જવા-આવવા વિ.ના મોટા ખર્ચમાં જવું પડે છે.
શું સરકાર તે મુદ્દા પર વિચારે છે! અને જો ના- તેના કારણ પણ પુર્વ સાંસદે આપવા વિનંતી કરી હતી અને જો હાઈકોર્ટની બેન્ચ અંગે શું પ્રક્રિયા છે તે અંગે પણ માહિતી માંગી હતી.
જેના જવાબમાં 18-7-2018ના અને તે અગાઉ કાનૂન અને ન્યાય મંત્રાલયે લેખીતમાં જણાવ્યું હતું કે જસવંતસિંઘ કમીશનની ભલામણમાં પ્રક્રિયા મુજબ હાઈકોર્ટની બેંચ અંગે નિર્ણય લેવાય છે અને સુપ્રીમકોર્ટ પણ તેના 2000ના વર્ષના ચૂકાદા મુજબ રાજય સરકાર તરફથી એક પુર્ણ દરખાસ્ત જેમાં તે હાઈકોર્ટની બેંચ માટે પુરતી માળખાકીય સુવિધા (બિલ્ડીંગ સહિત) તથા તેના ખર્ચ અંગે રાજય સરકારની ખાતરી, અને જે તે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ (અહી ગુજરાત)ની સંમતી સાથેની દરખાસ્ત જરૂરી છે. હાઈકોર્ટે આ બેંચના રોજબરોજના કામકાજ વિ. ચિંતા કરવાની હોય છે અને આ દરખાસ્તને જે તે રાજયના રાજયપાલની પણ સંમતી જરૂરી છે.
હાલના તકે (2018)માં ગુજરાત સરકાર તરફથી આ પ્રકારની કોઈ દરખાસ્ત નથી. આમ એ સ્પષ્ટ થયું છે કે અગાઉ 17 માર્ચ 2015માં પણ ગુજરાત સરકાર તરફથી આવી કોઈ દરખાસ્ત નહી હોવાનું જણાવાયું છે.
બાદમાં શ્રી કુંડારીયાએ 23/6/2019ના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી કેન્દ્ર સરકારના જવાબ અને રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટે દરખાસ્ત કરવા વિનંતી કરી હતી.
આ અંગે સ્થાનિક રાજકોટ સ્તરે બાર એસો. દ્વારા આંદોલન છેડાયુ છે પણ જયાં સુધી રાજય સરકાર પર બાર એસો.નું અને સૌરાષ્ટ્રના સાંસદો- ધારાસભ્યોનું ‘રાજકીય-દબાણ’ ન આવે ત્યાં સુધી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ માટે શકયતા નહીવત છે.