Rajkot,તા.૨૩
પાકિસ્તાનના કરાંચીની રેહાનાએ રાજકોટના પરવેઝ શેખ સાથે વર્ષ ૨૦૧૫માં લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ અને બાળકો સાથે રેહાના રાજકોટમાં રહેતી હતી. વર્ષ ૨૦૨૨માં વિઝા રિન્યુઅલ માટે પાકિસ્તાન ગયા બાદ તેમને ભારતના વિઝા જ નથી મળી રહ્યા. જેના કારણે રેહાના ત્રણ વર્ષથી રાજકોટ પરત નથી ફરી શકી. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે રેહાનાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો હતો. ત્યારે રેહાના અને પતિ પરવેઝ શેખ બંને ભારત સરકાર પાસે પરત રાજકોટ લાવવાની વિનંતી કરી રહ્યા છે. પરવેઝ શેખે ભારત અને પાકિસ્તાન બંને દેશોની એમ્બેસીમાં અનેક રજૂઆતો કરી છે. પરંતુ ત્રણ વર્ષથી કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે પરવેઝે ન્યાય માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી છે.
રેહાનાના પતિ, પરવેઝ શેખે આ અંગે જણાવ્યું છે કે, પાકિસ્તાનમાંથી ત્રણ વર્ષથી મારી પત્નીને વિઝા જ નથી મળી રહ્યા. અમે ઇસ્લામાબાદ ગયા હતા ત્યાંથી તેમને એવું કહ્યું હતું કે, તમે ભારત જાવ અને પછી ત્યાંથી તેમના કાગળ મોકલો એટલે તમારું કામ થઈ જશે અને વિઝા મળી જશે. મેં ત્રણવાર પ્રયત્ન કર્યો પરંતુ કંઈ થતું નથી.
પાકિસ્તાની નાગરિક અને ગુજરાતની પરિણીતા, રેહાનાએ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, મને પાકિસ્તાનમાં ત્રણ વર્ષ થઈ ગયા છે. એમ્બેસીમાંથી મને વિઝા જ નથી મળી રહ્યાં. ત્યાંના અધિકારીઓ પણ કહે છે કે, તમને વિઝા કેમ નથી મળતા તે ખબર નથી પડતી. તે લોકો કોઈ કારણ જ નથી કહેતા. મને મારા પરિવાર પાસે આવવું છે.
એક વીડિયોમાં રેહાના જણાવે છે કે, હું પાકિસ્તાન અને ભારત સરકારને વિનંતી કરી રહી છું કે, મારી સાથે આવું ન કરો. આમાં મારા બાળકોનો શું વાંક છે? પ્લીઝ મોદીજી મને પાછી ભારત બોલાવી લો, મારી બાળકી તેની ખાલાના ઘરે રહે છે. તેનો શું વાંક છે?

