Rajkot, તા. 16
રાજકોટ મહાનગરપાલિકાના ખાસ સમિતિની કાર્યવાહી સંબંધી નિયમો 1975-76માં મંજૂર થયા બાદ અમલમાં છે. હવે 48 વર્ષ બાદ આ નિયમોમાં ફેરફારની આવશ્યકતા લાગતા લાંબા અભ્યાસ અને કાર્યવાહીના અંતે જનરલ બોર્ડે ઠરાવ કરીને સરકારમાં મોકલતા હવે તા.18ના શનિવારે મળનારી સભાના દિવસથી આ તમામ નિયમો અમલમાં આવશે. રાજય સરકારે આ નિયમોને મંજુરી આપીને ગેઝેટ પ્રસિધ્ધ કરતા અનેક મહત્વના ફેરફારો હવે લાગુ થવાના છે.
48 વર્ષ બાદ મહાપાલિકામાં સભા, પેટા સમિતિના નિયમો બદલવા સાથે સામાન્ય લોકો માટે પણ પારદર્શક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઇ નાગરિકે જનરલ બોર્ડમાં બેસવું હોય તો કોર્પોરેટરની સહી સાથેના મંજૂરી પત્રક પરથી હાજર રહી શકતા હતા. પરંતુ તેમાં પણ કોઇ આકરા નિયમના અનુભવ લોકોને ન થાય તે માટે પ્રેક્ષક ગેલેરીમાં બેસવા પોતાના અસલ ફોટો ઓળખ કાર્ડ સાથે સહી કરીને આપેલા પત્ર પરથી પણ નાગરિક સભાના પ્રેક્ષક બની શકશે. તો રાજય સરકારે એક મોટી ફીમાં મોટી રાહત આપીને રોજકામની મીનીટસ બુક, કાર્ય નોંધની ફી જનરલ બોર્ડે પ્રતિ કલાક રૂા. બે હજાર કરી નાંખી હતી તે શહેરી વિકાસ વિભાગે ઘટાડીને માત્ર રૂા. 100 રાખી છે. એટલે કે સામાન્ય નાગરિક આવી કાયદેસરની કાર્યવાહી જેવી પ્રક્રિયા પ્રતિ કલાક રૂા. 100 લેખે જોઇ શકશે.
જુના નિયમો આશરે 48 વર્ષથી અમલમાં હોય વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને લઈ મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત પરથી સ્ટે.કમીટીએ તા.8-1-2024થી મંજુરી આપેલ છે. જે પરત્વે કાયદો અને નિયમોની સમિતિમાં તા.21-6-2024થી અને જનરલ બોર્ડમાં તા. 18-7-2024થી મંજુર આપીને સરકારમાં નવા નિયમો મોકલવામાં આવ્યા હતા. આ નિયમોને રાજય સરકારે તાજેતરમાં મંજૂરી આપી છે અને તા.13-11-24ના રોજ ગેઝેટમાં પ્રસિધ્ધ કરતા હવે આગામી બોર્ડથી તેનો અમલ શરૂ થશે તેવું આજે મેયર નયનાબેન પેઢડીયાએ જાહેર કર્યુ છે.
સરકારે મંજૂર કરેલા ગેઝેટ પરથી હાલના અને નવા સુધારેલા નિયમો પર નજર કરીએ તો સામાન્ય સભા, સ્ટે. કમીટી, ખાસ સમિતિઓની કાર્યવાહીની રોજકામની બુક મુખ્ય કચેરીમાં ઓફિસ સમય દરમ્યાન કોઇપણ સમયે કોઇ પણ ચાર્જ ભર્યા વગર સભ્યો માટે ખુલ્લી રહેતી હતી. અન્ય વ્યકિતઓને પ્રતિ કલાક પ0 પૈસા ફી 48 વર્ષથી હતી. હવે સભ્યને તો ચાર્જ વગર આ રોજકામની બુક જોવા મળશે. તો સામાન્ય વ્યકિત માટે પ્રતિ કલાક રૂા. 100નો ચાર્જ ભરવાનો થશે.
કોર્પો.ની દરેક સભા જાહેર જનતા માટે ખુલ્લી રાખવાનો નિયમ છે. સેક્રેટરી તરફથી દરેક કોર્પોરેટરને તેમના મહેમાનને પ્રેક્ષક ગેલેરીમાં બેસવા બોર્ડના એક કલાક પહેલા મંજૂરી પાસ આપવામાં આવે છે. અધ્યક્ષ પદેથી મેયર 10 પ્રવેશ પત્રો આપી શકે છે. હવે નવા સુધારેલા નિયમ મુજબ કોઇ પણ નાગરિક પોતાનું પુરૂ નામ, સરનામું, સંપર્ક નંબર, ફોટો ઓળખકાર્ડની સ્વપ્રમાણિત નકલ આપીને બોર્ડમાં બેસી શકશે. જનરલ બોર્ડની કાર્યવાહી આ રીતે સામાન્ય નાગરિક જોઇ શકશે. જોકે પ્રતિબંધિત વસ્તુઓ સાથે લઇ જઇ નહીં શકે અને બોર્ડની કાર્યવાહીમાં ખલેલ પણ પાડી નહીં શકે. અન્યથા તેઓને બોર્ડમાંથી માર્શલ દુર કરશે. મેયરની ગેરહાજરીમાં ડે.મેયર અધ્યક્ષ પદ સંભાળે છે. હવે જો મેયર અને ડે.મેયર બંનેની ગેરહાજરી હોય તો સ્થાયી સમિતિના ચેરમેન બોર્ડના અધ્યક્ષ તરીકે કામકાજ કરી શકશે.
બોર્ડ અને સમિતિઓના એજન્ડા દરેક સભ્યોને સામાન્ય ટપાલથી મોકલવાની પરંપરા ચાલુ છે. હવે સાધારણ ટપાલ, રજીસ્ટર એડી, સ્પીડ પોસ્ટ, કુરીયર સિવાય વોટસએપ, ઇ-મેઇલ આઇડી મારફત પણ કોર્પોરેટરોને એજન્ડાની નકલ મોકલવામાં આવશે. દરેક સભામાં હાજર સદસ્યોના નામો અને તેમાં ચાલેલી કાર્યવાહીની નોંધ, રેકર્ડ તે બાદની પહેલી સભામાં રોજકામ વગેરે કાર્યનોંધ કોઇપણ સભ્યને ફી વગર જોવા મળશે. આ નકલ જોવા માટે અન્ય લોકો માટે રૂા. બે હજારની ફી રાખવાનો ઠરાવ થયો હતો. પરંતુ સરકારે જાહેર જનતા માટેનું રેકર્ડ સરળતાથી ઉપલબ્ધ રહે તે માટે માત્ર 100 રૂપિયા ફી મંજૂર કરી સેક્રેટરી વિભાગમાં કાર્ય નોંધ ખુલ્લી રાખવાને મંજુરી આપી છે.
માર્શલ સ્ટાફ
કોર્પો.ની સામાન્ય સભામાં સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી, વિરોધ થાય ત્યારે અધ્યક્ષ સ્થાનેથી મેયર સભામાં ખલેલ પહોંચાડતા સદસ્યોને બહાર મોકલવાનો હુકમ કરે છે. ફાયર બ્રિગેડના જવાનો આ કામગીરી માર્શલ તરીકે કરે છે. હવે કોર્પો.માં પ0 ટકા મહિલા અનામત હોય, મહિલા સ્ટાફની પણ જરૂર રહે છે. આથી ફાયર બ્રિગેડ, સુરક્ષા વિભાગ કે અન્ય કોઇ પણ વિભાગમાંથી 6 પુરૂષ માર્શલ અને બે મહિલા મળી કુલ આઠ માર્શલની નિમણુંક બોર્ડ પહેલા કરી શકશે એવો સુધારો રાજય સરકારની મંજૂરીથી શનિવારથી લાગુ પડી જશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજયપાલે આપેલો મંજૂરી હુકમ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.