Rajkotતા.૭
આખા ગુજરાત સહિત રાજકોટમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આ વરસાદ કોઈ માટે મહેર સમાન, તો કોઈ માટે કહેર સમાન સાબિત થઈ રહ્યો છે. પરંતુ એટલું ચોક્કસપણે કહી શકાય કે આ વરસાદે ખેડૂતો મિત્રોમાં ખુશીની લહેર લાવી છે, કારણ કે જિલ્લામાં આવેલા ૨૭ ડેમ-જળાશયોમાંથી ૧૨ જેટલા ડેમમાં હાલ ૧૦૦ ટકા વરસાદી પાણીથી છલોછલ ભરાયા છે.
ખાસ વાત કરીએ તો જિલ્લા માટે જીવાદોરી સમાન રાજકોટ શહેર નજીક આવેલો આજી ડેમ હાલ વરસાદી પાણીથી ૯૯.૫૬ ટકા ભરાયો છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
ઉપરાંત ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલો મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે. સાથે જ જિલ્લામાં મોટી માત્રામાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતા ખેડૂતો માટે જીવાદોરી સમાન વેણું ૨, આજી ૩, સોડવદર, સુરવો, લાલપરી, છાપરવાડી ૧, છાપરવાડી ૨, માલગઢ, વેરી, ન્યારી ૨ સહિતના કુલ ૨૭માંથી ૧૨ ડેમો હાલ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે.
મોજ ડેમના ત્રણ દરવાજા ખોલાયાઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મોજ ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે. જેથી ડેમ ઓવરફ્લો થતાં તેના ત્રણ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ પાણીનો નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેના કારણે મોજ ડેમમાં હાલ ૨૬૪૯ ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ જાવક પણ નોંધાઈ છે. ત્યારે મોજ નદી હાલ ઘસમસતા પાણીના પ્રવાહ સાથે બે કાંઠે વહી રહી છે. માટે આ નદી જ્યાંથી પસાર થાય છે તેવા ખાસ નીચાણવાળા વિસ્તારો જેવા કે ઉપલેટા, મોજીરા, ગઢાળા, ખાખી જાળીયા, નવાપરા, સેવંત્રા, કેરાળા અને વાડલા જેવા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટીતંત્ર દ્વારા સૂચના અપાઈ છે.
નોંધનીય છે કે, રાજ્યભર સહિત રાજકોટ જિલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને પડધરી પંથકમાં સૌથી વધુ ૩.૩૫ ઈંચ વરસાદ, જે બાદ જામકંડોરણામાં ૨.૮૩ ઈંચ વરસાદ અને ધોરાજીમાં ૨.૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજકોટ શહેરમાં ૨.૦૧ ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા શહેરીજનો હાલાકીનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત ગોંડલ, વીંછીયા, ઉપલેટા, લોધીકા, કોટડા, સાંગણી, જેતપુર અને જસદણમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
વહીવટી તંત્ર સજ્જનોંધનીય છે કે, ત્યારે આગામી સમયમાં પણ રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે, ત્યારે આજી અને મોજ ડેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. આ ઉપરાંત, નદીના કાંઠે આવેલા ગામોમાં લોકોને સાવચેત રહેવા અને નદીમાં ન ઉતરવા અપીલ કરવામાં આવી છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.