Rajkot,તા.7
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં 41 કિ.મી.ની મેટ્રો રેલ સેવા માટે રાજય સરકારે દરખાસ્ત કરી હતી પરંતુ 10427 કરોડના જંગી ખર્ચના અંદાજને કારણે ફેરચકાસણી જરૂરી લાગતા પ્રોજેકટ વિલંબમાં પડયો છે.
રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ ગુજરાતના રેલ પ્રોજેકટ તથા તેનાથી પર્યાવરણીય નુકશાન વિશે લોકસભામાં પુછેલા પ્રશ્નના જવાબમાં રેલવેપ્રધાને 36 પ્રોજેકટોની વિગતો આપી હતી.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રશ્નના જવાબમાં કહ્યું, ગુજરાત રાજ્યમાં સંપૂર્ણપણે/અંશત: આવરી લેતી રેલવે માળખાકીય પરિયોજનાઓ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે અને ઉત્તર પશ્ચિમ રેલવે ઝોન હેઠળ આવે છે.
તારીખ 1-4-2025ની સ્થિતિ અનુસાર, ગુજરાત રાજ્યમાં સંપૂર્ણપણે/અંશત: આવરી લેતી રૂ. 30,275 કરોડના ખર્ચવાળી કુલ 2564 કિલોમીટર લંબાઈની 36 રેલ પરિયોજનાઓ (6 નવી લાઈન, 17 ગેજ પરિવર્તન અને 13 ડબલિંગ)ને મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 863 કિલોમીટર લંબાઈને કાર્યરત કરવામાં આવી છે અને માર્ચ 2025 સુધીમાં રૂ. 12,865 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં તમામ મોટી રેલવે નેટવર્ક લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. નવી લાઈન, મલ્ટી ટ્રેકિંગ પરિયોજનાઓને વિદ્યુતીકરણ સાથે મંજૂર કરવામાં આવી છે.
અમદાવાદ મેટ્રો રેલ – પ્રથમ તબક્કામાં 40 કિમી કાર્યરત છે. જેનો 10773 કરોડ ખર્ચ થયો છે. બીજા તબક્કામાં 28 કિમી પૈકી 23 કિમીનું કામ પૂર્ણ થયું છે. આ માટે 5384 કરોડનો ખર્ચ થયો છે. સુરત મેટ્રો રેલ યોજના 40 કિમીને આવરી લેશે અને આ માટે 12,020 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ ઉપરાંત પ્રધાને રાજકોટમાં મેટ્રો રેલ યોજના અંગે માહિતી આપતાં જણાવ્યું, ગુજરાત સરકારે 41 કિલોમીટર લાંબી રાજકોટ મેટ્રો રેલ યોજનાને મંજૂરી આપી છે. જેનો અંદાજિત ખર્ચ 10,427 કરોડ રૂપિયા છે. મેટ્રો યોજનાનો વધારે પડતાં ખર્ચના કારણે તેનું વિવિધ સ્તરો વ્યાપક મૂલ્યાંકન અને તપાસની જરૂરિયાત છે.