New Delhi, તા.૭
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત કોઈપણ પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, ભારતની ઈચ્છા બાંગ્લાદેશ સાથેના સંબંધો તણાવપૂર્ણ રાખવાની નથી. આથી, તેમણે મોહમ્મદ યુનુસને વિચારીને નિવેદનો આપવાની સલાહ આપી છે. રાજનાથ સિંહે એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતમાં દરેક પ્રકારના પડકારનો સામનો કરવાની ક્ષમતા છે, જોકે, ભારત પડોશીઓ સાથે તણાવપૂર્ણ સંબંધો જાળવવા માંગતું નથી. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં હસીના સરકારના તખ્તાપલટ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવ ઊભો થયો હતો.
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ, નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. સત્તા પર આવ્યા પછી, તેઓ સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં, તેમણે એક વધુ ઉશ્કેરણીજનક પગલું ભર્યું, જેમાં મોહમ્મદ યુનુસે પાકિસ્તાનના એક અધિકારીને એક વિવાદાસ્પદ આર્ટવર્ક ભેટમાં આપી.
મોહમ્મદ યુનુસે પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝાને એવી ભેટ આપી, જેમાં ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. માહિતી અનુસાર, આ ‘ગ્રેટર બાંગ્લાદેશ’ યોજનાનો એક ભાગ છે. મોહમ્મદ યુનુસ દ્વારા આપવામાં આવેલી આ કલાકૃતિનું નામ ’આર્ટ ઓફ ટ્રાયમ્ફ’ છે. કહેવાય છે કે તેમાં એક એવો નકશો દર્શાવવામાં આવ્યો છે જેમાં ભારતના ઉત્તર-પૂર્વીય ભાગને બાંગ્લાદેશની સરહદની અંદર બતાવવામાં આવ્યો છે.

