કંપનીના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટે લેપટોપ અને ઇમેઇલ આઇડીની ખરાઈ કરાવતા ભાંડો ફૂટ્યો
Rajkot,તા.28
રાજકોટ શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળ જીઆઈડીસી સ્થિત રાજુ એન્જીનીયરીંગના તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ સુભાષચંદ્ર ચિનોયએ કંપનીની ખાનગી વિગતો લીક કરી દીધાનો બનાવ સામે આવ્યો છે. વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા શખ્સની કામગીરી સંતોષકારક નહિ હોવાથી છૂટા કરવા નોટીસ આપ્યા બાદ તેણે અત્યંત ગુપ્ત માહિતી અન્ય કંપનીને આપી દીધાની આશંકાએ કારખાનેદારએ શાપર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
મામલામાં રાજકોટ શહેરની પંચવટી સોસાયટી શેરી નંબર સી-10માં રહેતા અને શાપર વેરાવળના સર્વે નંબર 210 ખાતે રાજુ એન્જીનીયર્સ નામે પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનરી બનાવવાનું કારખાનું ધરાવતા 65 વર્ષીય કારખાનેદાર રાજેશભાઇ નાનાલાલ દોષીએ શાપર પોલિસમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે તેમની જ કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા વાપીના રહેવાસી સુભાષચંદ્ર સીનોયનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા યુનિટમાં કુલ ૪૫૦ અલગ અલગ કેટેગરીના માણસો કામ કરે છે. બે વર્ષ પહેલા અમારા કારખાનામાં વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરવા માટે સુભાષચંદ્ર સીનોય (રહે વાપી,વલસાડ) ની ઓનલાઈન અરજી મળેલ હતી. જેથી આ વ્યક્તિને ઇન્ટરવ્યુ માટે અમારી કંપનીમાં બોલાવેલ બાદ ઇન્ટર્વ્યુમાં સીલેક્ટ થતા સુભાષચંદ્ર સીનોયને વાર્ષીક ૬૫ લાખ રૂપીયાની સેલેરી પેકેજથી તા. ૧૧/૦૫/૨૦૨૩ ના રોજથી અમારી કંપનીમાં વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી પર રાખેલ હતો. સુભાષચંદ્રને કંપની તરફથી લેપટો૫ આપી અને ઇ-મેઇલ આઇ.ડી. [email protected] બનાવી આપવામાં આવેલ હતું. જેનો ઉપયોગ સુભાષચંદ્ર કરતો હતો. સુભાષચંદ્રએ નાણાકીય વ્યવહાર સિવાયનું કંપનીનું તમામ કામકાજ સંભાળવાનું રહેતુ હતું. સુભાષચંદ્રએ આશરે બે વર્ષ જેટલો સમય અમારી કંપનીમાં કામ કરેલ અને જાન્યુઆરી,૨૦૨૫ માં સુભાષચંદ્રની કામગીરી સંતોષકારક ન હોય જેથી તેને કંપનીમાંથી છુટા કરવાનું જણાવેલ હતું. જેથી તેણે બીજી નોકરી મળે ત્યા સુધી અમારી કંપનીમાં કામ પર ચાલુ રાખવા રીકવેસ્ટ કરતા તેને નોકરી પર ચાલુ રાખેલ હતો.
ત્યારબાદ સુભાષચંદ્રએ અમને જાણ કરેલ કે, હવે મને બીજી જગ્યાએ નોકરી મળી ગયેલ છે જેથી ગઇ તા.૦૬/૦ ૪/૨૦૨૫ ના રોજ સુભાષચંદ્રને કંપનીમાં નોકરી પરથી છુટા કરવામાં આવેલ હતો. ત્યારે તેણે કંપની તરફથી આપવામાં આવેલ લેપટોપ જમા કરાવેલ અને તે બીજી જગ્યાએ નોકરી પર જતો રહેલ હતો. બાદ ગઇ તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ અમારી કંપનીના ઈ.ડી.પી. ડીપાર્ટમેન્ટના માણસોએ સુભાષચંદ્રને ફાળવેલ લેપટોપ ચેક કરતા જાણવા મળેલ કે, સુભાષચંદ્ર અમારી કંપનીના કર્મચારી હોય તેમ છતા કંપનીનો ખાનગી ડેટા જેમ કે (૧) કંપોનન્ટના ડ્રોઇંગ્સ (૨) મશીનમાં વપરાતા મટીરીયલની યાદી (૩) ડાઇ ડીઝાઈન કરવા માટેના સોફ્ટવેરની વિગત (૪) અમારી કંપનીના ગ્રાહકોની વિગત (૫) કંપનીના આગલા વર્ષના પ્લાનીંગની વિગત (૬) અમારી કંપની જે મશીનરી બનાવે છે તેની ટેકનીકલ ડીટેઇલ્સ (૭) કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંપુર્ણ ડીટેઇલ (૮) સપ્લાયરની ખાનગી માહિતી (૯) મશીનમાં વપરાતા પાર્ટસની સંપુર્ણ ડીટેઇલ વિગેરે કંપનીની ખાનગી અને માહિતી લીક થયેથી કંપનીને મોટુ નુકશાન થઇ શકે તેવી માહિતી સુભાષચંદ્રએ કંપનીના ઈ-મેઇલ આઇ.ડી. [email protected] પરથી scs_sheno [email protected] પર શેર કરેલની વિગત જાણવા મળેલ હતી. જેથી આ વાત મને અમારા કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટના શેખર તકવાણી તથા હિરેન સંઘવીએ કરતા અમે તપાસ કરતા સુભાષચંદ્ર સીનોય હાલ અમારા વ્યાપારીક હરીફ વિન્ડસર મશીન્સ લીમીટેડ(વટવા,અમદાવાદ)માં નોકરી કરતો હોવાનું જાણવા મળેલ હતું.
આમ સુભાષચંદ્ર સિનોયે અમારી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટની મહત્વપૂર્ણ સ્થાને ફરજ બજાવી હોય તેને કંપનીની તમામ ખાનગી વિગતો અંગે જાણકારી હોય તેને નોકરી પરથી છૂટા કરવાનું જણાવતા અમારી કંપનીની અત્યંત ખાનગી માહિતી જે લીક થયેથી કંપનીને મોટુ નુકશાન થઇ શકે તેવી માહિતી પોતાના ખાનગી ઈ-મેઇલ આઇ.ડી. પર ટ્રાન્સફર કરી અમારી સાથે વિશ્વાસ ઘાત કરેલ હોય કારખાનેદારે પુરાવા સાથે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.