જકાત નાકા નજીક ૧૦૦થી વધુ સફાઈ કામદારોએ એકત્રિત થઈ રાજુલા-અમરેલી રોડ ચક્કાજામ કર્યો હતો
Amreli,તા.૯
અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા આઠ દિવસથી સફાઈ કામદારો પોતાની વિવિધ માગણીઓને લઈને ધરણા પર બેઠા છે. નગરપાલિકામાં સફાઈ કામદારોને ૧૫-૧૫ દિવસની શિફ્ટ પર રાખવામાં આવે છે, જેને બંધ કરી લાંબા સમયથી કામ કરતા કર્મચારીને કાયમી નોકરી આપવામાં આવે તેવી માગ છે.
રાજુલાના સફાઈ કામદારો પોતાની માગને લઈને અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સફાઈ કામદારો છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠા છે. પાલિકા દ્વારા સફાઈ કામદારોની માગ સંતોષવામાં ન આવતા અંતે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.સોમવારે (આઠમી સપ્ટેમ્બર) રાજુલાના જકાત નાકા નજીક ૧૦૦થી વધુ સફાઈ કામદારોએ એકત્રિત થઈ રાજુલા-અમરેલી રોડ ચક્કાજામ કર્યો હતો. જેના કારણે માર્ગ પર લાંબા સમય સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતી. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લેવા કામદારો સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. રોડ પરથી સફાઈ કામદારોને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો રહ્યો હતો, પરંતુ જો કામદારોની માગણીઓ સંતોષાય નહીં તો આંદોલન વધુ તીવ્ર બનવાની શક્યતા છે.