Ayodhya તા.6
અયોધ્યામાં રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું એક વર્ષ પુરૂ થવા પર 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી પ્રતિષ્ઠા દ્વાદશીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 11 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે ગર્ભગૃહમાં રામલલ્લાનો અભિષેક કરશે. ત્યારબાદ અંગદ ખડગ પર યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન કરી શ્રધ્ધાળુઓને સંબોધન કરશે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગત વર્ષે રામ મંદિરમાં ભગવાન શ્રીરામનાં બાલ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રીરામ જન્મભુમિ તીર્થક્ષેત્રનાં મહાસચીવ ચંપતરાયનાં જણાવ્યા મુજબ 11 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સવારે 10 વાગ્યાથી પૂજન કાર્યક્રમ શરૂ થશે.
11 વાગ્યે સીએમ યોગી રામલલ્લાને અભિષેક કરશે. આ દિવસે સોનુ નિગમ, શંકર મહાદેવન, માલીની અવસ્થી દ્વારા ગાયેલા ભજન પણ રીલીઝ કરાશે.ટાઈમ્સ મ્યુઝીક ટ્રસ્ટના સંયોજનમાં કમ્પોઝ કરાયેલ એક ભજન પણ સોનુ નિગમ દ્વારા રીલીઝ કરવામાં આવશે. મહોત્સવમાં ઉતરાખંડ, છતીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને યુપીનાં 70 મુખ્ય સંતો અને ધર્માચાર્યોને પણ આ પ્રસંગે આમંત્રીત કરવામાં આવ્યા છે.
કાર્યક્રમનાં ત્રણ દિ’ સંગીતમય બનશે અયોધ્યા
જાણીતી ગાયિકા ઉષા મંગેશકર અને મયુરેશ પઈ ભગવાન સમક્ષ ભજનથી રાગ સેવાનો આરંભ કરશે.ત્યારબાદ સંતોષ સાહીત્ય નાહરે વાયોલીનની જુગલબંધીથી ભકિત કાર્યક્રમ રજુ કરશે.