Mumbai,તા.2
ભારતીય સિનેમાના પ્રખ્યાત ફિલ્મકાર રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું 84 વર્ષની વયે નિધન થયું છે. તે વૃધ્ધાવસ્થા સાથે સંકળાયેલી બીમારીઓથી પીડિત હતા. ગઈકાલે રવિવારે સવારે 10 વાગ્યા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રેમ સાગરે પિતાએ શરૂ કરેલ સાગર આર્ટસના બેનર નીચે અનેક મોટા પ્રોજેકટ અને સીરિયલોમાં નવા વિઝન સાથે કામ કર્યું હતું પરંતુ ઓળખ 90ના દાયકામાં આવેલ લોકપ્રિય ધારાવાહિક `રામાયણ’થી મળી હતી.
આ ધારાવાહિકમાં તેઓ પિતાના આસિસ્ટન્ટ હતા પરંતુ ટેકનિકલી પ્રયોગ, રચનાત્મક વિચાર અને સિનેમેટોગ્રાફીમાં તેમની નિપુળતાએ ધારાવાહિકને લોકોના દિલમાં અમર કરી દીધી હતી.
મોટા કે નાના પરદા પર યુધ્ધમાં તીરોની ફલાઈંગ ઈફેકટ પહેલી વાર તેમણે જ દેખાડી હતી. `રામાયણ’ પહેલા પણ પ્રેમ સાગરે `વિક્રમ વેતાલ’ `શ્રીકૃષ્ણ’ જેવી ધારાવાહિકોના નિર્માણમાં ખાસ ભૂમિકા નિભાવી હતી.
આટલું જ નહીં, હિન્દી ફિલ્મ `લલકાર’, `આંખે’, `ચરસ’ જેવી ફિલ્મોમાં તેમણે સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. તેમણે ધર્મેન્દ્ર-હેમા માલિની અભિનિત ફિલ્મ `હમ તેરે આશિક હૈ’નું નિર્દેશન પણ કર્યું હતું.