Mumbai,તા,01
બોલીવૂડ વર્તુળોમાં શરુ થયેલી ચર્ચા મુજબ રણબીર કપૂર દાદા રાજ કપૂરનું બેનર આર કે ફિલ્મ્સ રિવાઈવ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખરજી કરશે અને તેમાં રણબીર તથા દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકાઓ ભજવી શકે તેમ છે. આર કે બેનરની શૈલી પ્રમાણે આ એક ફેમિલી ડ્રામા હોવાની સંભાવના છે.
રાજ કપૂરે ૧૯૪૮માં ‘આગ’ ફિલ્મ દ્વારા આ બેનર શરુ કર્યું હતું. તે પછી આ બેનરના નેજા હેઠળ હિંદી સિનેમાના ઈતિહાસની સૌથી યાદગાર ફિલ્મો ‘શ્રી ૪૨૦’, ‘આવારા’, ‘બરસાત’, ‘જાગતે રહો’, ‘સંગમ’, ‘મેરા નામ જોકર’ સહિતની ફિલ્મો બની હતી. રાજ કપૂરે પોતાની હયાતીમાં સૌથી છેલ્લે ૧૯૮૫માં ‘રામ તેરી ગંગા મૈલી’ બનાવી હતી. તેમનાં નિધન બાદ સંતાનો રણધીર, રાજીવ અને રિશી કપૂરે આ બેનરની અનુક્રમે ‘હીના’, ‘પ્રેમ ગ્રંથ’ અને ‘આ અબ લૌટ ચલે’નું દિગ્દર્શન કર્યું હતું. જોકે, તે પછી આ બેનર બંધ પડયું હતું. મુંબઈનો વિશાળ આર કે સ્ટુડિયો પણ વેચાઈ ગયો હતો.

