‘રામાયણ’માં રણબીરને કરિયરની સૌથી વધુ ફી મળવા જઈ રહી છે ત્યારે અન્ય સ્ટાર્સની ફી અંગે વિગતો બહાર આવી નથી
Mumbai, તા.૯
સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોની ભવ્ય રજૂઆતના સંકલ્પ સાથે ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે. ભગવાન રામના રોલમાં રણબીર કપૂરની ઝલક પણ તાજેતરમાં રિલીઝ થઈ છે. હવે, ફિલ્મમાં રણબીરની ફી અંગે પણ ખુલાસો થયો છે. ‘રામાયણ’ના બે ભાગમાં રણબીર માટે રૂ.૧૫૦ કરોડની ફી નક્કી થઈ હોવાનું કહેવાય છે. ‘રામાયણ’માં રણબીરને કરિયરની સૌથી વધુ ફી મળવા જઈ રહી છે ત્યારે અન્ય સ્ટાર્સની ફી અંગે વિગતો બહાર આવી નથી. આ ફિલ્મમાં રાવણના રોલમાં યશ અને સીતા માતા તરીકે સાઈ પલ્લવી જોવા મળશે. ‘રામાયણ’ની એક ફિલ્મ માટે રણબીરને ૭૦-૭૫ કરોડની રકમ મળવાની છે ત્યારે તેની પાસે અપેક્ષા પણ વધી છે. પ્રભાસની ‘આદિપુરુષ’થી નિરાશ થયેલા દર્શકોને રણબીરની ‘રામાયણ’ જરૂર પસંદ આવશે, તેવું ફિલ્મ મેકર્સ માની રહ્યા છે. ફિલ્મની રિલીઝ પૂર્વે ઉત્સુકતા વધારવા પ્રમોશન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ટીઝર લોન્ચ માટે દેશના ૯ શહેરો ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સ ખાતે ઈવેન્ટ્સ યોજાઈ હતી. રામ અને રાવણ વચ્ચે ચાલતા યુદ્ધને ગ્લોબલ ઓડિયન્સ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ પણ આ સાથે થયો છે. ફિલ્મમાં ભગવાન હનુમાન તરીકે સની દેઓલ અને લક્ષ્મણજીના રોલમાં રવિ દુબે છે. ફિલ્મની કાસ્ટમાં જાણીતા એક્ટર્સને સ્થાન આપવાની સાથે મ્યૂઝિકમાં પણ વિશેષ તકેદારી રખાઈ છે. હાન્સ ઝીમર અને એર આર રહેમાન મ્યૂઝિક બનાવી રહ્યા છે, જ્યારે એક્શન સીક્વન્સ માટે હોલિવડના સ્ટન્ટ કો ઓર્ડિનેટર ટેરી નોટરી અને ગાય નોરિસને બોલાવાયા છે. ‘રામાયણ’નો પહેલો પાર્ટ દિવાળી ૨૦૨૬ પર રિલીઝ થશે, જ્યારે બીજો પાર્ટ દિવાળી ૨૦૨૭ પર આવશે. ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને વર્તમાન સમયની સિનેમા ટેકનોલોજી સાથે ઓડિયન્સને ખુશ કરવાના ઈરાદા સાથે બંને ભાગ માટે રૂ.૮૦૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. ફિલ્મને ગ્લોબલ બોક્સઓફિસ પર મોટા પાયે રિલીઝ કરવાનું આયોજન છે.