Mumbai,તા.16
ગઈકાલથી ભારતીય ક્રિકેટની સૌથી મહત્વની ગણાતી રણજી ટ્રોફીની શરૂઆત થઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લઈ રહી છે. સીઝનનો પહેલો દિવસ મહારાષ્ટ્ર માટે કોઈ ખાસ રહ્યો નહીં, કારણ કે મહારાષ્ટે્ર પોતાની પહેલી ત્રણ વિકેટ શૂન્ય રને ગુમાવી દીધી હતી.
મહારાષ્ટ્ર VS કેરળઃ શો શૂન્ય રન પર આઉટ
કેરળના પેસ આક્રમણે પૃથ્વી શોની નવી ટીમ મહારાષ્ટ્રને સારી શરૂઆત કરતા અટકાવી દીધી, 20 બોલના અંતરે મહારાષ્ટ્રના ચાર બેટ્સમેનોને શૂન્ય આઉટ કર્યા.
પહેલી જ ઓવરમાં ફાસ્ટ બોલર એમડી નિધિશે પૃથ્વી શોને ફક્ત ચાર બોલમાં એલબીડબલ્યુ આઉટ કર્યો.
મહારાષ્ટ્ર માટે આ શોની પહેલી મેચ હતી. ત્યારબાદ સિદ્ધેશ વીર, અર્શીન કુલકર્ણી અને કેપ્ટન અંકિત બાવને કોઈ રન બનાવ્યા વિના આઉટ થયા. ટીમનો સ્કોર શૂન્ય રને 3 વિકેટ હતો.
મુંબઈ VS જમ્મુ-કાશ્મીરઃ શિવમ દુબે પહેલી મેચમાંથી બહાર
ઓલરાઉન્ડર શિવમ દુબેને પહેલી મેચ માટે મુંબઈની રણજી ટ્રોફી 2025-26 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. કમરમાં જક્કી થવાને કારણે દુબેને જમ્મુ અને કાશ્મીર સામેની મેચમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. દુબે મંગળવારે સાંજે શ્રીનગરથી મુંબઈ પરત ફર્યો હતો.
સૌરાષ્ટ્ર VS કર્ણાટક
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાઈ રહેલી સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફી મેચમાં કર્ણાટકે ટોસ જીતી પ્રથમ દાવ લેવાનો નિર્ણય કર્યો હતો. ધર્મેન્દ્રસિંહને પેહલા બે ઝડપી વિકેટ મળી જ્યારે મયંક અગ્રવાલ અને એન.જોસ ફટાફટ પેવેલિયન ભેગા થઈ ગયા અને ટીમે 26 રનમાં બે વિકેટ ગુમાવી હતી.
પરંતુ ત્યારબાદ કણ નાયર અને દેવદત પડીકલ વચ્ચે 136 રનની ભાગીદારી થઈ હતી. પડીકલ 96 રનમાં આઉટ થયો અને સદી ચૂક્યો હતો. કર્ણાટકના ચાર બેટરોએ હાફ સેન્ચુરી ફટકારી જેમાં પડીકલ 96 રન, કરૂણ નાયર 73 રન, એસ.રવિચંદ્રન 77 રન, અને શ્રેયસ ગોપાલના 56 રન નો સમાવેશ છે. ત્યારે સૌરાષ્ટ્ર તરફથી એક માત્ર ધર્મેન્દ્રસિંહ જાડેજાનો જાદુ ચાલ્યો અને 6 વિકેટ ઝડપી હતી. યુવરાજ ડોડિયાએ એક વિકેટ લીધી હતી.
આ ટુર્નામેન્ટ બે તબક્કામાં રમાશે
2025-26 રણજી ટ્રોફી સીઝન 15 ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી સુધી બે રાઉન્ડમાં રમાશે. રણજી ટ્રોફીનો પહેલો તબક્કો 15 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, જ્યારે બીજો તબક્કો 22 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. નોકઆઉટ 6 થી 28 ફેબ્રુઆરી સુધી રમાશે.