Surendranagar તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી અંદાજે 500થી વધુ રેશનિંગ દુકાનોમાંથી હજારો પરિવારો અનાજનો જથ્થો રેશનકાર્ડ પર માસિક મેળવે છે. સરકાર દ્વારા રેશનિંગ દુકાનદારોને આપવામાં આવતું કમિશન અપૂરતું હોવાથી દુકાનદારોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે.
રેશનિંગ દુકાનાદારો દ્વારા કમિશનની રકમમાં વધારી પ્રતિ ક્વીન્ટલ રૃ.300 કરવું અથવા મિનીમમ કમિશનમાં વધારો કરી રૃ.30,000 કરવા અનેક વખત માંગ કરેવા છતાં ઉકેલ આવ્યો નથી. સરકાર દ્વારા તાજેતરમાં રેશનિંગ દુકાન પર સરકારી અનાજનો જથ્થો મળ્યા બાદ ગુણવતા અને સ્ટોક મામલે ફરજીયાત તકેદારી સભ્યોના બાયોમેટ્રિક વેરીફીકેશનનો પરિપત્ર કરવામાં આવ્યો છે.
જેના કારણે રેશનિંગ દુકાનદારોની મુશ્કેેલીમાં વધારો થયો છે તેમજ સમયસર કમિશન બેંક ખાતામાં જમા કરવું, ડીલરના ઓનલાઇન પ્રોફાઈલમાં રેશનિંગ દુકાનદાર ઉપરાંત પરિવારના સભ્યોને દાખલ કરવા જેથી સરળતાથી બાયોમેટ્રિક લોગીન થઈ શકે, નિયમિત અને સમયસર દરેક રેશનિંગ દુકાન સુધી અનાજનો જથ્થો પહોંચાડવો વગેરે માંગો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા રેશનિંગ દુકાનદારોએ જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને તમામ માંગો પુરી નહીં થાય તો આગામી નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડી તારીખ 01 નવેમ્બર થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

