Bhavnagarતા.૩૦
શહેરમાં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ભારતમાં આવીને વસેલા કેટલાક સિંધી સમાજના લોકોએ ભાવનગરમાં પણ વસવાટ કર્યો હતો. ત્યારથી સિંધી સમાજના પૂર્વજો દ્વારા શરૂ કરાયેલા રાવણ દહનની પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. સિંધી સમાજ દ્વારા રાવણ દહનને લઈને કેવા પ્રકારની તૈયારીઓ થાય છે અને શોભાયાત્રામાં શુ હોય તેમજ રાવણ કઈ રીતે બનાવવામાં આવે છે
ભાવનગર શહેરના દશેરા મહોત્સવ સમિતિના આગેવાન મનસુખભાઈ પંજવાણીએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવેલા અમારા સિંધી સમાજના લોકોને મહારાજાએ તબેલા સહિતના સ્થળોએ રહેવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી અમારા પૂર્વજો ગરબીનું આયોજન કરતા જેમાં રામ, સીતા જાનકી વગેરે જેવા પાત્ર ભજવવામાં આવતા અને મહારાજા તેને નિહાળવા માટે આવતા હતા.
ભાવનગર શહેરમાં જવાહર મેદાનમાં વર્ષોથી રાવણ દહન યોજવામાં આવે છે. ત્યારે સિંધી સમાજના આગેવાન મનસુખભાઈ પંજવાણીએ જણાવ્યું હતું કે, ૫૫ વર્ષોથી આ કાર્યક્રમ સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે. રાવણ દહનના કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ સિંધી સમાજ દ્વારા જ ઉઠાવવામાં છે. એ સિવાય કોઈ પણ સમાજની પાસેથી ફંડ લેવામાં આવતું નથી. જો કે સિંધી સમાજ દ્વારા ૫૦, ૧૦૦, ૨૫૦ જે રકમ ફાળવવામાં આવે તે મેળવીને રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. જો કે પહેલા ૪૫ હજારમાં થઈ જતો હતો પરંતુ હાલમાં ૪ લાખ જેવી કિંમત થાય છે.
રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના બનાવવામાં આવતા પૂતળાને લઈને મનસુખભાઈ પંજવાણીએ જણાવ્યું હતું કે, આ પૂતળાની અંદર લાકડું, કાગળ અને સુતળી બોમનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે પહેલા અહીંયા લોકો બનાવતા હતા. પરંતુ સમય જતા હવે કોઈ બનાવતું નથી. તેથી આગ્રાથી ખાસ લોકોને બોલાવવામાં આવે છે. જે લોકો દ્વારા રાવણ, મેઘનાથને કુંભકર્ણના પૂતળા બનાવી આપે છે. જો કે રાવણમાં ૨૦૦, કુંભકરણમાં ૧૫૦ અને મેઘનાથમાં ૧૫૦ સૂતળી બોમ ગોઠવવામાં આવે છે.
ભાવનગર જવાહર મેદાનમાં થતા રાવણ દહન કાર્યક્રમ દશેરા મહોત્સવ સમિતિ દ્વારા કરાય છે. ત્યારે આ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ગુરુમુખાણીએ જણાવ્યું હતું કે, થોડા સમયથી વિલંબને પગલે શોભાયાત્રા બંધ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે પાંચ બગી, ૭ ટ્રેક્ટર, ૧૫ કાર, આતિશબાજી, વાનરસેના સાથે ડીએસપી ઓફિસથી શોભાયાત્રા પ્રસ્થાન કરીને સંત કવરરામ ચોક, તખ્તેશ્વર પોલીસ ચોકી, આતાભાઇ ચોક થઈ સિંધુનગર, સરદારનગર, રૂપાણી સર્કલ અને ઘોઘા સર્કલ થઈને જવાહર મેદાન આવશે. જેમાં વિવિધ પાત્રો પણ રામ, સીતા લક્ષ્મણ, રાવણ, કુંભકર્ણ વગેરે જોવા મળશે.