Bhavnagar,તા.10
ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું ભાવનગર શહેર, તેની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસત અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ શહેર રિયલ એસ્ટેટ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી રહ્યું છે, જે તેને રહેવા અને રોકાણ કરવા માટેનું આકર્ષક સ્થળ બનાવી રહ્યું છે. સ્માર્ટ સિટી મિશન હેઠળના પ્રોજેક્ટ્સ અને વધતી જતી આથક ગતિવિધિઓએ ભાવનગરના રિયલ એસ્ટેટ બજારને નવો વેગ આપ્યો છે.
ભાવનગરનો રિયલ એસ્ટેટ વિકાસ માત્ર નવા બાંધકામો પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં આધુનિક જીવનશૈલીને અનુરૂપ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.શહેરના હાર્દસમા ઘોઘા સર્કલથી વાઘાવાડી રોડ ઉપરાંત રિંગ રોડ, સિદસર રોડ, અકવાડા-અધેવાડા રોડ, ચિત્રા સહિતના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ઝડપથી વિકસી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં આધુનિક સુવિધાઓ જેવી કે સ્વિમિંગ પૂલ, જીમ, ક્લબહાઉસ, ગાર્ડન અને ૨૪ કલાક સુરક્ષા સહિતની સવલત ઉપલબ્ધ છે, જે શહેરી વસ્તીની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ ઉપરાંત, શહેરની આસપાસના વિસ્તારોમાં પણ પ્લોટિંગ સ્કીમ્સ અને ફાર્મહાઉસ પ્રોજેક્ટ્સ લોકપ્રિય બની રહ્યા છે, જે શાંતિપૂર્ણ જીવનશૈલી શોધી રહેલા લોકો માટે આદર્શ છે.
રહેણાંક ક્ષેત્ર ઉપરાંત, ભાવનગરમાં વાણિજ્યિક રિયલ એસ્ટેટ પણ તેજીમાં છે. શહેરમાં ઠેર-ઠેર મુખ્ય રસ્તાઓ પર નવા શોપિંગ મોલ્સ, કોમ્પ્લેક્સ અને ઓફિસ સ્પેસ વિકસાવવામાં આવી રહ્યા છે, જે સ્થાનિક વ્યવસાયો અને નવા સાહસો માટે તકો પૂરી પાડે છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા શરૂ થવાથી શહેરની કનેક્ટિવિટીમાં સુધારો થયો છે, જેના કારણે વેપાર અને ઉદ્યોગને મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત, ભાવનગર પોર્ટના વિકાસ અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના વિસ્તરણથી વ્યાપારી પ્રવૃત્તિઓ વધી છે, જે સ્વભાવિક રીતે રિયલ એસ્ટેટની માંગમાં વધારોે કરી રહી છે. ખાસ કરીને અલંગ સોસિયા શિપબ્રેકિંગ યાર્ડ અને અન્ય ઉદ્યોગોને કારણે બન્ને હાઈવેને જોડતાં શહેરના રસ્તાઓની આસપાસના વિસ્તારોમાં શ્રમિકો અને કર્મચારીઓ માટે રહેણાંકની જરૂરિયાત ઊભી થઈ છે.