Mumbai,તા.૨૫
ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં પાંચ વિકેટથી મળેલી હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે સ્વીકાર્યું કે નીચલા ક્રમના બેટ્સમેનોની રન બનાવવામાં અસમર્થતા હારનું મુખ્ય કારણ હતું.
ઉપ-કપ્તાન ઋષભ પંતે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી જ્યારે ગિલ, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે પણ સદી ફટકારી હતી, પરંતુ ભારત બંને ઇનિંગ્સમાં અપેક્ષિત મોટો સ્કોર કરી શક્યું ન હતું અને ઘણા મહત્વપૂર્ણ કેચ પણ છોડવામાં આવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે ૩૫૯ રનના સ્કોર બાદ આખી ટીમ ૪૭૧ રનમાં આઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં પણ છેલ્લી છ વિકેટ ૭૭ રનની અંદર પડી ગઈ હતી.
મેચ પછી ગિલે કહ્યું કે આ એક શાનદાર ટેસ્ટ મેચ હતી. અમારી પાસે તકો હતી પણ અમે કેચ છોડી દીધા અને નીચલા ક્રમમાંથી પણ રન બન્યા નહીં, પરંતુ મને ટીમ પર ગર્વ છે અને એકંદરે તે એક સારો પ્રયાસ હતો. ગઈકાલે અમે લગભગ ૪૩૦ રન બનાવ્યા બાદ ઇનિંગ્સ ડિકલેર કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ નીચલા ક્રમમાં રનના અભાવે તે મુશ્કેલ બન્યું.
તેમણે કહ્યું કે અમે નીચલા ક્રમના યોગદાન વિશે વાત કરી હતી પરંતુ તે ખૂબ જ ઝડપથી થયું (વિકેટ પડી). આવનારી મેચોમાં આપણે આમાં સુધારો કરવો પડશે. ડ્રોપ થયેલા કેચ માટે પોતાના ફિલ્ડરોનો બચાવ કરતા તેમણે કહ્યું કે આવી વિકેટો પર તકો સરળતાથી મળતી નથી. આ એક યુવા ટીમ છે અને શીખી રહી છે. આશા છે કે, ભવિષ્યમાં આ પાસાઓમાં વધુ સારું પ્રદર્શન થશે.
ગિલે કહ્યું કે ૨ જુલાઈથી બર્મિંગહામમાં બીજી ટેસ્ટ માટે સમય છે અને મેચ પહેલા જ જસપ્રીત બુમરાહ વિશે નિર્ણય લેવામાં આવશે. બુમરાહની ઉપલબ્ધતા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે અમે મેચ દર મેચ જોઈશું. બીજી ટેસ્ટ નજીક આવશે ત્યારે નિર્ણય લેવામાં આવશે.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ભારતની પ્રશંસા કરી, પરંતુ જીતનો શ્રેય તેના ઓપનરો બેન ડકેટ અને જેક ક્રાઉલીને આપ્યો, જેમણે અનુક્રમે ૧૪૯ અને ૬૫ રન બનાવ્યા. તેમણે કહ્યું કે ભારતે પહેલા સત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું. ઈંગ્લેન્ડમાં ચોથી ઇનિંગમાં રમવું સરળ નથી, પરંતુ જેક અને બેને શાનદાર ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો.
પ્લેયર ઓફ ધ મેચ ડકેટે કહ્યું કે બુમરાહનો સામનો કરવાનો રસ્તો શોધવો મહત્વપૂર્ણ હતો. તેમણે કહ્યું કે તે એક વર્લ્ડ ક્લાસ બોલર છે અને તેણે પહેલી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. અમને ખુશી છે કે અમે તેને બીજી ઇનિંગમાં તેનું પુનરાવર્તન થવા દીધું નહીં.