Gandhinagar,તા.18
ગુજરાત એ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર વધુને વધુ ચમકે છે અને તેની સાથે અમદાવાદ હવે વૈશ્વિક કંપનીઓજ નહી વૈશ્વિક બ્રાન્ડને પણ આકર્ષી રહી છે તેમાં દુબઈ સ્થિત વિખ્યાત લૂલુ ઈન્ટરનેશનલ શોપીંગ મોલ એ અમદાવાદના ચાંદખેડામાં 66168 સ્કવેર મીટરના પ્લોટનો સોદો રૂા.519.41 કરોડમાં કર્યો છે જે અત્યાર સુધીનો અમદાવાદનો સૌથી મોટો સિંગલ સોદો છે અને તેના માટે રૂા.31 કરોડની સ્ટેમ્પ ડયુટી ભરી તે પણ એક રેકોર્ડ છે.
અમદાવાદની સાબરમતી સબ રજીસ્ટર ઓફિસમાં આ સોદો નોંધાયો હતો અને તેનાથી રાજય સરકારને પણ પુરા દિવસની અમદાવાદની રજીસ્ટ્રેશન આવક જેટલી રકમ આ એક જ સોદામાં મળી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં રૂા.300-400 કરોડના સોદા નોંધાયા છે પણ કદી રૂા.500 કરોડ કે તેથી વધુનો સોદો નોંધાયો નથી.
અગાઉ લૂલુ ગ્રુપે જ અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની એક જમીનની લીલામીમાં 78500 સ્કવેર મીટરના પ્લોટની બોલી રૂા.76000 પ્રતિ સ્કવેર મીટર કરી હતી પણ બાદમાં આ પુરી જમીન પર અમદાવાદ મ્યુ.કોર્પો.નો કબ્જો થયો ન હતો.
તેથી આ સોદો સ્થગીત થયો હતો. લૂલુ ઈન્ટરનેશનલ મોલ પ્રા.લી. એ મીડલ ઈસ્ટ અને ભારતમાં મોટા શોપીંગ મોલ પ્રોપર્ટી ધરાવે છે અને વાઈબ્રન્ટ ગુજરાતમાં પણ તેણે રાજયમાં રોકાણ કરવાની ખાતરી આપી હતી.