New Delhi,તા.20
આ વર્ષે નવરાત્રીથી લઈને દીવાળી સુધી કાર બજારમાં ભારે તેજી જોવા મળી હતી. ખાસ કરીને 10 લાખથી ઓછી કિંમત ધરાવતાં વાહનોનું વેચાણ સૌથી વધારે રહ્યું છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2025 દરમિયાન વેચાયેલા તમામ કારોમાંથી લગભગ 78 ટકા કારો 10 લાખથી નીચેની કિંમતની હતી. એટલે કે દેશનાં મોટાભાગનાં ગ્રાહકો બજેટ કાર તરફ વળ્યાં છે.
GSTના નવા દરો લાગું થયાં બાદ નાની કાર અને કોમ્પેક્ટ SUVની કિંમતોમાં ઘટાડો થયો છે. જેના કારણે લોકોની આવક વધી અને ફેસ્ટિવલ સીઝનમાં કારની ખરીદીમાં એક નવો જ ઉત્સાહ જોવા મળ્યો.
વાહન ઉદ્યોગનાં જણાવ્યાં મુજબ નવરાત્રીથી દીવાળી વચ્ચે સરેરાશ દર બે સેક્નડે એક કાર વેચાઈ હતી. આટલી માંગને કારણે ડીલરોને ડિલિવરી આપવા પણ ભારે દોડધામ કરવી પડી હતી.
SIAMના આંકડા દર્શાવે છે કે GST ઘટાડ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં 1.7 લાખ અને ઑક્ટોબરમાં 2.2 લાખ નાની કાર અને કોમ્પેક્ટ SUV વેચાઈ, જે ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો છે.
મારુતિ સુઝુકીએ પણ આ સીઝનમાં મોટું વેચાણ નોંધાવ્યું હતું. 40 દિવસનાં ગાળામાં કંપનીને 5 લાખ બુકિંગ મળ્યાં અને 4.1 લાખ કારનું રિટેલ વેચાણ થયું. જેમાંથી 2.5 લાખ નાની કાર હતી, એટલે ગ્રાહકોનો વળેલો ઝુકાવ સ્પષ્ટ દેખાય છે.
GST પહેલાં નાની કારનું વેચાણ કંપનીમાં 16.7 ટકા હતું, જે નવા ટેક્સ બાદ 20.5 ટકા સુધી પહોંચી ગયું. એટલે ઓછો ટેક્સ સીધો ગ્રાહકોના ખરીદીના નિર્ણય પર અસર કરતો દેખાયો છે. નાની કારનું વેચાણ માત્ર શહેરોમાં જ નહીં, ગામડાઓમાં પણ 35 ટકા કરતાં વધુ વધ્યું છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં હવે ઊંચી કિંમતની કારો ખરીદવાની વૃત્તિ પણ વધી રહી છે.
મોટા શહેરોમાં 15 થી 20 લાખની કિંમતની કારોનું વેચાણ 26 ટકા વધ્યું છે, જ્યારે 20 લાખથી વધુ કિંમતની કારોમાં તો 40 ટકા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી છે. બીજી તરફ 5 લાખથી 20 લાખ વચ્ચેની કારોમાં 15 થી 20 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. છતાં ફેસ્ટિવલ સીઝનનું મુખ્ય આકર્ષણ નાની અને બજેટ કાર જ રહી છે, જેનાથી સાબિત થાય છે કે ભારતીય કાર બજારમાં તેનો દબદબું હજુ યથાવત છે.

